મરાઠા આંદોલનની ગુજરાતમાં અસર ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસો અટકાવાઇ, મુસાફરો રઝળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આંદોલનની આગ હવે ગુજરાતને પણ દઝાડી રહી છે. રાજ્યના એસટી વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતા મુંબઇ, પુણે, નાશિક, શિરડી જતી બસોને ગુજરાત બોર્ડર પાસે જ રોકી દેવાઇ હતી. જેને પગલે સેંકડો મુસાફરો સાપુતારા પાસે રઝળી પડ્યા હતા.
મરાઠા આંદોલનની અસર ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર પડી હતી. આંદોલનકર્તાઓ સરકારી બસને નિશાન બનાવીને નુકસાન ન કરે તથા મુસાફરોને હાનિ ન પહોંચે તે માટે જીએસઆરટીસી દ્વારા બસના રૂટ ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. આમ રૂટ મર્યાદિત રાખવાના નિર્ણયને કારણે હાલના સમયમાં મહારાષ્ટ્ર જઇ રહેલા પ્રવાસીઓ ભરેલી અનેક ખાનગી તથા સરકારી બસને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પાસે અટકાવી દેવામાં આવી હતી, જેથી અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. વિરોધ પ્રદર્શન-દેખાવોને પગલે ગુજરાતમાં તંત્ર હાઇ એલર્ટ પર છે. ગુજરાત બોર્ડર પાસે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સુરત ડેપો મેનેજરે પત્રકારોને આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનને કારણે જીએસઆરટીસીની સૂચના ન મળે ત્યાં સુધી તમામ બસોને સાપુતારા પાસે રોકી રખાશે. ત્યાંથી તેઓ મહારાષ્ટ્રમાં પ્રવેશશે નહિ. ઉપરાંત જ્યાં આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી રહી છે તેવા બોર્ડર પાસેના ૩૦ જેટલા ડેપો બંધ રાખવાની સૂચના એસટી નિગમ દ્વારા આપવામાં આવી છે.