આખરે સૌરાષ્ટ્રમાં શરૂઆતઃ આ વિસ્તારોમાં થયો વરસાદ
કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો તેમ જ ગરમીથી ત્રાહિમામ સૌરાષ્ટ્રની જનતાને વરસાદે આજે રાહત પહોંચાડી હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના મેંદરડામાં સોમવારે સવારે છથી 8 ચાર ઈંચ, વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ, વંથલીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જામનગર, મોરબી, હળવદ, ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ એકથી અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સવારથી વાદળ ઘેરાયેલી અને વરસાદી વાતાવરણ છવાયું છે, ત્યારે લોકોને ફરી સારા વરસાદની આશા બેઠી છે. કચ્છના અમુક વિસ્તારોમાં ઝરમર મેઘ વરસી રહ્યો છે.
દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે શનિવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના 16 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજ્યના ચાર તાલુકામાં આછ ઈંચથી વધુ, સાત તાલુકામાં સાત ઈંચથી વધુ, 11 તાલુકામાં છ ઈંચથી વધુ, 15 તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 20 તાલુકામાં ચાર ઈંચથી વધુ, 38 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને 63 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રવિવારે દિવસ દરમિયાન પંચમહાલ જિલ્લામાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના ગોધરા અને શહેરામાં નવ ઈંચ, મોરવા હડફ તાલુકામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના તાલુકામાં મહીસાગરના વીરપુરમાં 8.7 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં આઠ ઈંચ, અરવલ્લીના બાયડમાં આઠ ઈંચ અને ધનસુરામાં 7.5 ઈંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા સાત ઈંચ વરસાદ નોંધાયો છે.