Gujarat માં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સતત વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં 29 જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે. જયારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં સિઝનનો 55 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 20 ઈંચ સાથે સિઝનનો 55 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વઘુ 76 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા 29.55 ટકા વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના માત્ર ઉચ્છલ અને છોટા ઉદેપુરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં 2.3 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.2 ઈંચ, આણંદમાં 1.85 ઈંચ, વડોદરામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.4 ઈંચ, સોનગઢમાં 1.3 ઈંચ, જાંબુઘોડામાં 1.25 ઈંચ, સાવલીમાં 1.25 ઈંચ, સુબીરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેતપુર પાવી, વાઘોડિયા, હાલોલ અને નિઝરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 84 તાલુકામાં સામાન્યથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.