આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

IFFCO, કાછડીયા, બનાસકાંઠા…ભાજપમાં વધતો જાય છે વિખવાદ

અમદાવાદઃ શિસ્ત અને પક્ષ પહેલાના નારા સાથે કામ કરતા ભાજપમાં વિખવાદો વધી રહ્યા છે. ચૂંટણી સમયે પણ પક્ષમાં આંતરિક નારાજગી હતી ત્યારે લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે વિવાદ IFFCOની ચૂંટણીમાં સર્જાયો અને તેના પરિણામોએ ભાજપમાં બીજા વિવાદોને પણ ફરી સપાટીમાં લાવી દીધા હોવાનાં અહેવાલો બહાર આવી રહ્યા છે. પક્ષમાં ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે ચૂંટણી પૂરી થયા બાદ પક્ષના અમુક નેતાઓ જાહેરમાં નારાજગી કે મતભેદો વિશે વાત કરતા થઈ ગયા છે, જે ભાજપમાં સામાન્ય રીતે પહેલા ન હતું બનતું.

એક તો જયેશ રાદડીયાએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહની વાત ન માનતા ઈફકોની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી બતાવ્યું. બીજી બાજુ અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારાયણ કાછડીયાએ વ્યથા ઠાલવતા કહ્યું કે અમરેલીમાં કૉંગ્રેસમાંથી આવેલા બિનઅનુભવી ઉમેદવારને ટિકિટ આપી ભાજપને મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે.


તેમણે એમ પણ કહ્યું કે પક્ષમાં ઘણા યોગ્ય ઉમેદવાર હોવા છતાં એવા ઉમેદવારને ઊભો રાખ્યો જે ગુજરાતી પણ બરાબર બોલી શકતો નથી. ભાજપે અમરેલીમાંથી કૉંગ્રેસમાંથી આવેલા નેતા ભરત સુતરીયાને ટિકિટ આપી હતી, જેની સામે કૉંગ્રેસના જેની ઠુમ્મર લડ્યા હતા. કાછડીયાના જણાવ્યા અનુસાર આ બેઠક પર ભાજપને દોઢ લાખ મતનો ફટકો પડશે.

બીજી બાજુ ઈફકોના ચેરમેન તરીકે ફરી ચૂંટાયેલા વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલની ટીકા કરી હતી. બીજી બાજુ બનાસકાંઠાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદના સંબંધી ભાજપના મતોને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન તરફ વાળવાનું જણાવતા હોય તેમ સંભળાઈ રહ્યા છે.


તો કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને માણાવદરની વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પણ ભાજપના જ નેતા જવાહર ચાવડાના પરિવારે પેટાચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિઓની ફરિયાદ કરતો પત્ર પાટીલ અને ભાજપના કેન્દ્રીય સચિવ રત્નાકરને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button