પાણીપુરીનો ચટાકો છે તો આ વાંચી લો
પાણીપુરીની પુરી અને પાણી અનહાઈજેનિક રીતે બનતા હોવાના કેટલાય વીડિયો અને અહેવાલો બહાર આવતા હોવા છતાં છોકરીઓ નહીં છોકરાઓ પણ પાણીપુરીની લારી પાસે મંડારાતા જોવા મળશે. આ એક એવી વસ્તુ છે જેને જોઈને સૌ કોઈ લલચાઈ છે, પરંતુ અમદાવાદમાં એક છેકરી સાથે બનેલી ઘટના જાણ્યા બાદ તમે ચોક્કસ લારી પર પાણીપુરી ખાતા પહેલા એકવાર વિચાર કરશો.
અમદાવાદમાં 13 વર્ષની એક છોકરીએ પાણીપુરી ખાધા બાદ જીવ ગુમાવ્યો છે. પાણીપુરી ખાધા પછી છોકરીને પેટમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો હતો. જેથી જનરલ ડૉક્ટર પાસે દવા લીધી હતી. પરંતુ તેનાથી ફેર ના પડતાં કેટલાક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં છોકરીને હિપેટાઈટિસ ઈ હોવાનું નિદાન થયું હતું. જે બાદ છોકરીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, લીવર ટ્રાન્સપ્લાન્ટ છતાં આ છોકરીનો જીવ ના બચાવી શકાયો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે જ આ છોકરીની સારવાર કરવામાં આવી હતી. 13 વર્ષની છોકરીને પાણીપુરી ખાધાના થોડા કલાક બાદ પેટમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો હતો. જેથી તેના માતાપિતા તેને જનરલ ડૉક્ટર પાસે લઈ ગયા હતા.
ડૉક્ટરની દવા લીધા બાદ પણ રાહત ના થતાં છોકરીના કેટલાક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તેને હિપેટાઈટિસ ઈ હોવાનું નિદાન થયું હતું. જોકે, હિપેટાઈટિસ ઈ એટલું વકરી ગયું હતું કે તેના લીવરને પણ ભારોભાર નુકસાન થયું હતું.
જોકે, હિપેટાઈટિસ ઈ એટલું વકરી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું.
લીવરને ખૂબ નુકસાન થતાં આ છોકરીને IKDRC ખાતે દાખલ કરવામાં આવી હતી. આ છોકરીના લીવરની સ્થિતિ એટલી ખરાબ હતી કે, તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કિશોરીની માતાએ પોતાના લીવરનો અમુક ભાગ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યો હતો. આ છોકરીની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ પણ રહી હતી. પરંતુ થોડા દિવસ બાદ તેની તબિયત ફરીથી બગડી અને તેનું મૃત્યુ થયું.
આ ઘટના પરથી એટલું તો ચોક્કસથી કહી શકાય કે ફક્ત પાણીપુરી જ નહીં બહારનો કોઈપણ પ્રકારનો વાસી ખોરાક શરીરને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. બહારનો ખોરાક ખાતા પહેલા ત્યાંની ચોખ્ખાઈ સહિતની બાબતોની ચકાસણી કરવી જોઈએ. વાસી-ગંદો ખોરાક ખાવાથી કે સતત જંકફૂડ ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ઉપરાંત કેટલાય લોકો એવા છે કે સામાન્ય માથુ દુઃખે કે હળવો તાવ હોય તો પણ એન્ટીબાયોટિક દવા લઈ લેતા હોય છે. વધારે પડતી એન્ટીબાયોટિક દવાઓ પણ લીવર માટે જોખમી સાબિત થઈ શકે છે. જેથી ડૉક્ટરોની સલાહ મુજબ જ દવા લેવી હિતાવહ છે.