બાળકનો કબજો જૈવિક પિતા પાસે હોય તો ગેરકાયદે કસ્ટડી ન ગણાય: ગુજરાત હાઇ કોર્ટ

અમદાવાદ: 6 વર્ષની દીકરીને લઇને પરપુરુષ સાથે ભાગી ગયેલી માતાએ કરેલી હેબિયસ કોર્પસ અરજીની આજે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે પુત્રીનો કબજો તેના જૈવિક પિતા પાસે જ છે, તેથી તેને ગેરકાયદે કસ્ટડી કહી શકાય નહિ.
આ કેસમાં પત્ની તેના પતિના મિત્ર સાથે સંબંધોને પગલે પોતાની દીકરીને લઇને કચ્છ જતી રહી હતી, જે પછી માસૂમ દીકરીને પત્ની અને તેના પ્રેમી દ્વારા માર મારવામાં આવતો હોવાની જાણ થતા તે પુત્રીને પોતાની પાસે લઇ આવ્યો હતો. આથી પતિ પાસેથી પુત્રીને પરત મેળવવા માટે પત્નીએ ગુજરાત હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.
જો કે કેસની સુનાવણી દરમિયાન પત્ની અને તેના પ્રેમીના ગુનાહિત ઇતિહાસની વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો હાઇ કોર્ટના ન્યાયાધીશ દ્વારા ધ્યાનમાં લેવાતા તેમજ વારંવારની તક આપવા છતા અરજદાર પત્ની પોતે પણ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
આ ઉપરાંત જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે બાળકીને પણ રૂબરુ બોલાવી તેની ઇચ્છા જાણી હતી કે તેને કોની પાસે રહેવું છે, બાળકીએ જવાબમાં પિતાનું નામ લીધું હતું. આમ હાઇ કોર્ટે બાળકીની ઇચ્છાને ધ્યાનમાં રાખીને પણ પત્નીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.