આપણું ગુજરાત

ગુજરાતમાં દરેક કર્મચારીના આઈડી પ્રૂફ પોલીસમાં કરાવવા પડશે જમા, સરકાર બહાર પાડશે એસઓપી

અમદાવાદઃ પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 300 જેટલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓ પર કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર એક એસઓપી પર કામ કરી રહી છે. જે મુજબ તમામ કામદારોના આઈડી પ્રૂફ ફરજિયાત કરવામાં આવશે.

કર્મચારી નકલી દસ્તાવેજો પૂરા પાડે તો?

સૂત્રોએ જણાવ્યું કે, તમામ નોકરીદાતાઓ માટે તેમના કર્મચારીના આઈડી પ્રૂફની કોપી પોલીસમાં જમા કરાવવી પડશે. જેમાં નિષ્ફળ જનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સૂત્રોએ ઉમેર્યું કે, જો કર્મચારી નકલી દસ્તાવેજો પૂરા પાડે તો નોકરીદાતા જવાબદાર ગણાશે નહીં.

સૂત્રોએ જણાવ્યું કે, એસઓપીમાં કંપની, પાન શોપ, લેબર કોન્ટ્રાક્ટરથી માંડી ઘરેલું મદદ માટે વ્યક્તિઓને નોકરી પર રાખતા તમામ નોકરીદાતાઓને આવરી લેવાશે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદેસર વસાહતીઓ પર તાજેતરની કડક કાર્યવાહીમાં જાણવા મળ્યું કે તેમાંના મોટાભાગના લાંબા સમયથી ગુજરાતમાં રહેતા હતા. તેઓ જીવન નિર્વાહ ચલાવવા માટે કોઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા.

ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે એસઓપી

સૂત્રના જણાવ્યા મુજબ, તમામ કર્મચારીઓના આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ વગેરે જેવા ઓળખ દસ્તાવેજોની નકલો એકત્રિત કરવી નોકરીદાતાઓ માટે ફરજિયાત રહેશે. તેમને આ દસ્તાવેજોનો રેકોર્ડ જાળવવો પડશે અને તેની નકલો નજીકના પોલીસ સ્ટેશનમાં પૂરી પાડવી પડશે. આ એસઓપી સંબંધિત સૂચનાઓ તમામ કમિશનરેટ અને જિલ્લા પોલીસ અધિક્ષકોને મોકલી દેવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા એક એસઓપી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ સત્તાવાળાઓને મોકલવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button