હવે તમને આઈસક્રીમમાં આ વેરાયટી પણ મળશેઃ કચ્છના અંજારમાં લૉંચ થયો નવો પ્લાન્ટ
![Icecream from camel milk in Gujarat Kutch](/wp-content/uploads/2025/02/icecream-from-camel-milk-in-gujarat-kutch.webp)
ભુજઃ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ફરી આપણને ફ્રીજનું ઠંડુ પાણી, એસી, કોલ્ડડ્રિંક, આઈસગોલા અને આઈસક્રીમ યાદ આવશે. ગ્લોબલ વૉર્મગને લીધે દેશના તમામ ભાગોમાં આગ ઝરતી ગરમી પડે છે અને ગરમીથી રાહત માટે જાતજાતના નુસ્ખા આપણે અપનાવીએ છીએ, આમાંનો એક છે આઈસક્રીમ ખાવાનો. નાના-મોટા સૌ કોઈને ભાવતી આ વસ્તુ ગુજરાતમાં પણ ખૂબ જ ખવાઈ છે અને વિવિધ પ્રકારે બનાવાઈ છે પણ ખરી. હવે આ ઈન્ડસ્ટ્રીમાં કંઈક નવું થયુ છે, જે દેશમાં બીજા ક્યાંય થયું નથી. રણપ્રદેશ એવા કચ્છની એક સહકારી સંસ્થાએ હવે ઊંટડીના દૂધમાંથી આઈસક્રીમ બનાવવાનું શરૂ કર્યું છે. કચ્છ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત આઇસ્ક્રીમ પ્લાન્ટ ખાતે અમૂલ કેમલ મિલ્ક આઇસક્રીમ રાજભોગ ફ્લેવર-ખજૂર સાથેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
![](/wp-content/uploads/2025/02/ice-cream.jpeg)
આ લોંચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટના લોંચિંગ અંગે વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, સરહદ ડેરી દ્વારા હમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે. ઊંટડીના દૂધનું મૂલ્ય વર્ધન થાય તથા ઊંટપાલકોને વધુ વળતર મળે તેવા ઉમદા હેતુથી અમૂલ કેમલ મિલ્ક આઇસક્રીમ રાજભોગ ફ્લેવર-ખજૂર સાથેનું લોંચિંગ કરવામાં આવ્યું છે.
Also read: વલો કચ્છ : 26 જાન્યુઆરીની ગોઝારી સવાર: કચ્છનાં આંસુભીનાં સ્મરણો
૧૨૫ ગ્રામના અમૂલ કેમલ મિલ્ક આઇસ્ક્રીમના કંપની કિંમત ૫૦ રૂપિયા છે. ઉનાળાની અકળાવનારી ગરમીમાં આ નવી ફ્લેવરનું વેંચાણ રેકોર્ડ-બ્રેક થવાનો વિશ્વાસ વાલમજી ભાઈએ વ્યક્ત કર્યો હતો. આ લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજર નિરવ ગુસાઈ તેમજ આઇસક્રીમ પ્લાન્ટ તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને અમૂલ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.