અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ક્રેઝ આસમાને, મુંબઇનો ગુજરાતી પરિવારએ અનોખા અંદાજમાં બતાવ્યો ‘સ્વેગ’

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ કપ- 2023નો અંતિમ મુકાબલો શરૂ થઇ ગયો છે. જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે મેચ જોવા માટે સ્ડેટિયમની બહાર હજારોની સંખ્યામાં દર્શકોએ લાંબી કતાર લગાવી હતી. નમો સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાય છે અને તેની ક્ષમતા અંદાજે 1 લાખ 30 હજાર દર્શકોની છે.
મેચ જોવા માટે અનેક બોલીવુડ સિતારા અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદી પણ 3 વાગ્યા પછી જયપુરથી અમદાવાદ પહોંચશે. આજે દરેક ભારતીયના હૃદયમાં વિશ્વકપ જોવાનો એક અલગ જ ક્રેઝ છે. મુંબઇનું એક ગુજરાતી પરિવાર અનોખી રીતે તેમની કાર વર્લ્ડ કપની થીમ પર શણગારીને મેચ જોવા પહોંચ્યો હતો.
મીડિયા અહેવાલો દ્વારા મળતી વિગતો મુજબ મુંબઇના કાંદિવલીમાં રહેતા વિપુલ સોલંકી અને તેમનો પરિવાર ગઇકાલે સવારે 10 વાગે કાર લઇને મુંબઇથી નીકળ્યા છે. જે પ્રકારે આ કારને તેમણે ડિઝાઇન કરી છે તે સૌકોઇમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કાર પર ક્રિકેટરોની તસવીરો, ભારતનો ક્રિકેટનો ઇતિહાસ વગેરે વિગતો સુંદર રીતે શણગારવામાં આવી છે. 1983 બાદ હવે 2023નો વર્લ્ડ કપ પણ ભારત જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.