‘હું એકલો જ આગળ આવું, ખાલી મારા જ ફોટા પડે..’ કડીના કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન

મહેસાણાના કડીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજકારણની વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે અમારા રાજકારણમાં તો એવું હોય કે હું એકલો જ આગળ આવું, મારા જ ફોટા પડે અને બીજાને દેખાવા જ નહીં દેવાના.
જો કે અહીં તો આયોજકે સ્ટેજ પર બેસેલા તમામ લોકોનું અન્ય સાથી કાર્યકરો પાસે સન્માન કરાવ્યું. જેથી અહીં હું એકલો નહીં પણ બધા આગળ આવે તેવી ઉમદા ભાવનાના દર્શન થયા. જે બદલ હું કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવું છું. રક્તદાન શિબિર બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમને સંબોધતી વખતે પૂર્વ નાયબ મુખ્યપ્રધાને આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
વર્ષ 2006માં નીતિન પટેલના માર્ગદર્શનથી કડીમાં સરદાર યુવક મંડળ સંસ્થા સ્થપાઇ હતી. જેના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નીતિન પટેલને આમંત્રણ અપાયું હતું. નીતિન પટેલે રાજકીય મોરચે પોતાને મળેલી સફળતાનો શ્રેય હજારો લોકો અને પક્ષના સમર્પિત કાર્યકરોને આપ્યો. નીતિન પટેલે કહ્યું તમારા જેવા હજારો લોકોએ મદદ કરી,ત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે સૌની ફરજ છે તેવું તેમણે જણાવ્યું હતું.