શેરમાર્કેટના દેવાએ પિતાને આવો હેવાન બનાવી દીધો, દીકરા અને પત્નીની હત્યા કરી ને…

Gandhinagar Crime News: ગાંધીનગર શહેરમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પતિ હરેશ વાઘેલાએ નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષીય પુત્ર ધ્રુવને તિજોરી સાથે માથુ અથડાવી હત્યા કરી અને પત્ની આશાબેનની બોથડ પદાર્થથી હત્યા કરી હતી.
સ્યુસાઈડ નોટમાં શું લખ્યું
પરિવારના સભ્યોની ઘરના મોભીએ પહેલા પુત્ર અને ત્યારબાદ પત્નીની હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ હતી, આ સમગ્ર ઘટનામાં પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં શેરબજારમાં નાણાં ડૂબવાનું કારણ આપી પત્ની અને પુત્રની હત્યા કરી હોવાની વાત લખી છે, પોલીસ પતિની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ પતિ હરેશ વાઘેલા સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમનાં પત્ની આશાબેન વાઘેલા રસોઈ કામ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ વાઘેલા ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળ સુરેન્દ્રનગરનો પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનોસિટી 1 સરગાસણ ખાતે રહેતો હતો. ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



