ગુજરાતની યુવા શક્તિનો ડંકોઃ હુરુન ઇન્ડિયાની ‘ટોચના યુવાન ઉદ્યોગસાહસિકો’ની યાદીમાં 18 ગુજરાતી યુવાનો ચમક્યા!

અમદાવાદઃ હુરુન ઇન્ડિયાની યાદીમાં યુવાન ગુજરાતી ઉદ્યોગસાહસિકોનો દબદબો જોવા મળ્યો હતો. 35 વર્ષથી ઓછી વયના 155 ટોચના ઉદ્યોગસાહસિકોમાં 18 ગુજરાતી મૂળના યુવાનોને સ્થાન મળ્યું હતું. આ યાદીમાં સામેલ ઉદ્યમીઓના બિઝનેસની કુલ વેલ્યૂ 39 લાખ કરોડ છે. જે ભારતના જીડીપીનો દસમો ભાગ છે.
આ યાદીમાં પારંપારિકથી માંડી નવા બિઝનેસ સેક્ટરમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં યોગદાન આપ્યું હોય તેવા 31થી 35 વર્ષની વયજૂથના 155 યુવા ઉદ્યમી અને નેક્સ્ટ જનરેશન લીડર્સ સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના 18 ઉદ્યોગ સાહસિકો સ્થાન મળ્યું હતું. આ પૈકી ત્રણ અમદાવાદના, બે સુરતના રહેવાસી છે. આ સિવાય 15નું મૂળ ગુજરાતી છે.
આ પણ વાંચો : સ્ટ્રીટ ફૂડ થી સ્ટાર્ટઅપ સુધીનો સ્ટ્રગલ સ્ટોરી: જાણો શું છે સૌરભ ખંડેલવાલની દહીંવડા એક્સપ્રેસની ચટપટી સફર
એવેન્ડસ વેલ્થ હુરુન ઇન્ડિયા અંડર-35 લિસ્ટ 2025 રિપોર્ટ પ્રમાણે, આ યાદીમાં રેઝોન સોલાર કંપનીના કો-ફાઉન્ડર સુરતના 31 વર્ષીય હાર્દિક કોઠિયા સૌથી યુવા છે. 31 વર્ષીય હાર્દિક રેઝોન સોલારના કો-ફાઉન્ડર છે. તેમની કંપની સૌથી ઝડપથી ઉભરતી કંપની છે. જે સોલાર પેનલ્સ, ગ્રીન એનર્જી સિસ્ટમ અને ઈનોવેટિવ ટેક્નોલોજી મારફત ભારતના સોલાર એનર્જી ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપે છે. સિવિલ એન્જિનિયર હાર્દિકે પોતાના પાર્ટનર ચિરાગ નાકરાણી સાથે મળી 2017માં રેઝોન સોલારની સ્થાપના કરી હતી.
આ ઉપરાંત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમન મહેતા (ઉં.વ 34 વર્ષ)ને પણ સ્થાન મળ્યું હતું. તેઓ કંપનીનો વૈશ્વિક વિકાસ થાય તે માટે વ્યૂહાત્મક ઓપરેશન સંભાળવાનું કામ કરે છે. તેમજ ટોડલશિક્ષણના પરિતા પારેખ (ઉ.વ.34) પણ સ્થાન પામ્યા હતા. ટોડલશિક્ષણ અને તાલીમ ક્ષેત્રની કંપની છે. ટેકનોલોજી આધારિત ટોડલ કંપની શિક્ષકો, સ્કૂલોને એક પ્લેટફોર્મ પર લાવી વિદ્યાર્થીઓના શિક્ષણને વધારે સારું બનાવે છે. આ સિવાય શેલ્બી હોસ્પિટલના શનય શાહ (ઉ.વ.34)ને પણ સ્થાન મળ્યું હતું. તેઓ દર્દીઓને સારી સુવિધા મળે તે માટે હોસ્પિટલ નેટવર્કનું વિસ્તરણ અને વ્યૂહરચના સંબંધિત કામ કરે છે.
આ પણ વાંચો : ડિલીવરી બોયનું કામ યુવાનો માટે તક કે ફંદો? ગિગ ઇકોનોમી પર આ વ્યક્તિએ ઉઠાવ્યો સવાલ
આ યાદીમાં 76 ટકા અર્થાત 118 આંત્રપ્રિન્યોર ફર્સ્ટ જનરેશનના છે. તેઓએ પોતાની જાતે પોતાનો બિઝનેસ સ્થાપિત કરી વિકસાવ્યો છે. 24 ટકા આંત્રપ્રિન્યોર ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. જ્યારે 10 ટકા આંત્રપ્રિન્યોર બીજી પેઢીના હતા. આ વર્ષે આ યાદીમાં 15 મહિલા આંત્રપ્રિન્યોર સામેલ થઈ હતી. જેમાં 31 વર્ષીય બ્લિસક્લબની ફાઉન્ડર મિનુ માર્ગરેટ સૌથી યુવા મહિલા ઉદ્યોગ સાહસિક છે. સોલાર, ફાર્મા, એજ્યુકેશન, ઈવી, હેલ્થમાં પાંચ ગુજરાતી અને સૌથી વધુ 10 આઈઆઈટી દિલ્હીમાંથી ભણેલા ઉદ્યોગ સાહસિક હતા.