Gujaratમાં એક જગ્યાએ સો ટકા મતદાન તો એક બેઠક પર તો…
અમદાવાદઃ ગુજરાતની 26માંથી 25 બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે. અપેક્ષા મુજબ ઊંચા તાપમાનને લીધે બપોરે જાણે બ્રેક લાગી ગયો હોય તેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે એક બેઠક ચર્ચામાં છે અને તે છે ગીર સોમનાથના ઉના ગીર સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથક બાણેજની. અહીં સો ટકા મતદાન થયું છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન નોંધાયું છે. દેશની ચૂંટણી વ્યવસ્થા માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે કે અહીં માત્ર એક મતદાર માટે આખું મથક ઊભું કરવામાં આવ્યું છે.
માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે.
ગીર સોમનાથના જિલ્લાના જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે. જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણીપંચ 2002થી અહીં ખાસ બુથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બુથ બનાવવામાં આવ્યું છે.
તો બીજી બાજુ દેશમાં નહીં વિશ્વમાં નામના ધરાવતા ટેક્સટાઈલ્સ સિટિ અને ડાયમંડ સિટિ એવા સુરતમાં મતદાનનો આંકડો ઝીરો રહ્યો કારણ કે અહીં મતદાન થયું જ નહીં. સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી સહિતના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા, પણ સુરતના મતદારો આજે મતદાન કરવા જઈ શક્યા ન હતા.