ભયો ભયોઃ ગુજરાતમાં સિઝનનો સો ટકા વરસાદ વરસી ગયો, જળાશયો છલકાયા
ગાંધીનગર: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.
કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં જળાશયો છલકાયા
27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.
Also Read –