ગુજરાતે વાહન વેચાણમાં રાષ્ટ્રીય સરેરાશને પાછળ રાખી, ટુ વ્હીલરના વેચાણમાં જોરદાર ઉછાળો…

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેના કારણે વાહન વેચાણમાં રાષ્ટ્રીય સરેરાશને પણ પાછળ રાખી દીધી છે. રાજ્યમાં ટુ વ્હીલરના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ગુજરાતમાં ટુ વ્હીલરનું વેચાણ 12.45 ટકા વધ્યું હતું, જે ભારતમાં 7.24 ટકા છે. જ્યારે કોમર્શિયલ વાહનોનું વેચાણ 14.57 ટકા વધ્યું હતું. જે દેશમાં 6.71 ટકા હતું. કેલેન્ડર વર્ષ 2025માં ગુજરાતમાં વાહનોના છૂટક વેચાણે રાષ્ટ્રીય સરેરાશને વટાવી દીધી હતી. રાજ્યએ વાર્ષિક ધોરણે 10.12 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જેની સામે ભારતની રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિ 7.71 ટકા રહી હતી.
કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના વેચાણમાં પણ ઉછાળો
ટુ-વ્હીલરના વેચાણમાં રાષ્ટ્રીય સ્તરે 7.24 ટકાની સામે ગુજરાતમાં 12.45 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે કોમર્શિયલ વાહનોમાં રાષ્ટ્રીય 6.71 ટકાની સામે ગુજરાતમાં 14.57 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના વેચાણમાં ગુજરાતમાં 19.66નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સમગ્ર ભારતમાં આ ક્ષેત્રે 6.67 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 1 જાન્યુઆરીથી ઉત્પાદકો દ્વારા કિંમતોમાં વધારો કરવાની જાહેરાતને કારણે ડિસેમ્બર મહિનામાં વેચાણને વેગ મળ્યો હતો.
ડિસેમ્બર 2025માં, ગુજરાતે મોટાભાગની વાહન શ્રેણીઓમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ટુ-વ્હીલરના વેચાણમાં ગુજરાતમાં 20.05 ટકા વધારો નોંધાયો હતો. જ્યારે ભારતમાં 9.50 ટકા વધારો થયો હતો. આવી જ રીતે પેસેન્જર વ્હીકલમાં ગુજરાતમાં 28.85 ટકાની વૃદ્ધિ થઈ હતી. જ્યારે ભારતમાં 26.64 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
આ પણ વાંચો…ઑક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનાં રિટેલ વેચાણમાં 57 ટકાનો ઉછાળો

રાજ્યમાં ટ્રેક્ટરના વેચાણમાં તોતિંગ ઘટાડો
થ્રી-વ્હીલરના વેચાણમાં પણ ગુજરાતનો દબદબો રહ્યો હતો. ગુજરાતમાં થ્રી વ્હીલરનું વેચાણ 48.22 ટકા વધ્યું હતું, જ્યારે દેશમાં 36.10 ટકાનો વધારો નોંધાયો હતો. આવી જ રીતે કોમર્શિયલ વ્હીકલનું રાજ્યમાં 44.41 ટકા વેચાણ વધ્યું હતું, જ્યારે દેશમાં 24.60 ટકા વેચાણ વધ્યું હતું. જોકે ટ્રેક્ટરના વેચાણમાં ગુજરાતમાં 52.56 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેની સામે ભારતમાં 15.80 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં ઓટો રિટેલ ક્ષેત્રે સપ્ટેમ્બર મહિનાથી ગતિ જળવાઈ રહી છે. આ ડિસેમ્બરમાં એકંદરે 13 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં કારમાં 29 ટકા અને ટુ-વ્હીલરમાં 20 ટકાનો વધારો, ડિસેમ્બર મહિનામાં જોવા મળેલો અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો છે. આ વધારા પાછળના મુખ્ય કારણોમાં જીએસટી ઘટાડા પછી ઓટો ઉદ્યોગમાં સતત રહેલી મજબૂત માંગ, સારા ચોમાસાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વધેલી માંગ અને 1 જાન્યુઆરી 2026થી કંપનીઓ દ્વારા ભાવ વધારાની જાહેરાત જવાબદાર છે.



