ધંધુકામાં ક્ષત્રિય સમાજનનું વિરાટ ‘અસ્મિતા મહાસંમેલન’, રૂપાલા સામે લડી લેવાનો કર્યો નિર્ધાર
ભાજપના નેતા અને રાજકોટ સીટ પરથી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં સમાજના મહિલાઓ, યુવાનો અને અગ્રણીઓ ઉમટ્યા હતા. આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો આવ્યા છે. સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ સમેલનમાં વક્તા હાજર રહેલા પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, આ માફી એ જ ટીકીટ રદ્દ કરો. રાજકોટની તો રેલી હતી, રેલો હજી બાકી છે. રૂપાલા ભાઈ સમજી જજો માફમાં રહેજો. સામેથી રાજીનામુ આપી દો. આ તો ટ્રેલર છે મુવી બાકી છે જે સુપરહીટ મુવી રહેશે. મારું અનશન ચાલુ રહેશે. જ્યારે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે, અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો છે. ભાજપે એક વ્યક્તિને મોટી ગણી અને ટિકિટ આપી દીધી છે. આ ટિકિટને કેન્સલ કરો બાકી અશ્વમેઘ યજ્ઞ માટે ઘોડો નીકળી ગયો છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હંગામા ખડા કરના હમારી આદત નહીં, હમારી કોશિશ હૈ સૂરત બદલની ચાહિયે, રૂપાલા બદલાવા જોઈએ. આપણને અવસર આવ્યો છે. આપણને એક કરવાનું કામ થયું છે. આજે કોણ સાથે છે? કોણ સામે છે? આપણું પારકું કોણ છે? એ ખબર પડશે. કોણ શકુની? કોણ ધૃતરાષ્ટ્ર? એ ખબર પડશે. રાજકોટમાં યોજાઈ હતી તે રેલી નહીં ભાજપના પગ નીચે આવેલો રેલો છે, જે ભાજપને લઈને ડૂબશે.
મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડાએ ક્ષત્રિય યુવાનોને સોશિયલ મીડિયા પર રૂપાલા સામે લડત ચલાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે માફીની વાત નહીં ઉમેદવારી રદ્દ કરો. લડાઈ આર પારની છે. ભાજપે એ હુમલો કરવાનું ચાલુ કર્યું હોય તે રીતે માંગ પુરી કરવાના મૂડમાં નહીં. ભારતભરના ક્ષત્રિયોના વિરાંગનાનું અપમાન કર્યું છે. આ આંદોલન ક્ષત્રિય સમાજનું છે કોઈ પાર્ટીઓનું નહીં.
કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સ્વાભિમાનની લડાઈ છે, હું તમામને કહેવા માગું છું કે કામ ધંધા મૂકી અને આમાં લાગી જાઓ. મહિપાલસિંહ મકરાણા રાજસ્થાનથી ગઈકાલે આવ્યા હતા બહેનોને મળવા માટે આવ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે તેમને મળવા માટે રજા લેવી પડે. અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આ લોકોને ખબર નથી કે જેટલી સ્પ્રિંગ દબાવો, એટલી વધારે ઉછળે. અમને દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે.બહેનો ને વિનંતી છે કે તેઓ જોહર ના કરે. અમે ભાઈઓ બેઠા છીએ.
ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, જે રાજપૂતો અહીંયા આવ્યા છે અને ભાજપૂતો છે, તે હવે રાજપૂતો બની જજો. આપણે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના જ સોગંદ ખાવાના છે. આપણી લડાઈ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે, સરકાર સામે નથી. આ માત્ર રાજકોટની સીટનો કોઈ પ્રશ્ન નથી હવે 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. આંદોલન માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ હવે દેશભરમાં થશે. રાજપૂતોને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં, યુપીમાં પણ અન્યાય થયો છે.