Lok sabha: ગુજરાતમાં કૉંગ્રેસનો સફાયો કરવાની હેટ્રિક કરી શકશે ભાજપ?
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. ગુજરાતનું મતદાન 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં છે. વિધાનસભા-2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે વિજય મેળવી રાજ્યના રાજકારણમાંથી કૉંગ્રેસને લગભગ નાબૂદ કરી નાખી છે અને રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપને મળતી હોવાથી લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે તેવો વિપક્ષ છે જ નહીં. હવે જ્યારે 7મી મેએ મતદાન થશે ત્યારે કૉંગ્રેસ ખાતુ ખોલશે કે કૉંગ્રેસનો સફાયો કરવાની ભાજપ હેટ્રિક કરશે કે કેમ તે જોવાનું રહ્યું, ત્યારે એ સમજવું જરૂરી છે કે કયા કારણોસર ભાજપ ગુજરાતનો એવો મજબૂત ગઢ બની ગયો છે જેના કાંગરા ખંખેરવા લગભગ અશક્ય બની ગયા છે.
આ સ્થાને પહોંચવાનું ભાજપ માટે સહેલું ન હતું. વર્ષ 1984માં થયેલી ચૂંટણીમાં ભાજપને માત્ર એક બેઠક મળી હતી. તે સમયે પણ 26 લોકસભા બેઠક હતી, જેમાંથી 24 કૉંગ્રેસને, એક જનતા દળને અને એક ભારતીય જનતા પાર્ટીને મળી હતી. આ બેઠક હતી મહેસાણાની અને અહીંથી એ કે પટેલ જીત્યા હતા.
ત્યારબાદની ચૂંટણીમાં એટલે કે 1989માં ભાજપની બેઠકોની સંખ્યા 12 થઈ, જનતા દળને 11 અને કૉંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. 1991માં ભાજપને 20, કૉંગ્રેસને 5 અને જનતા (જી)ને એક બેઠક મળી. 1996માં ભાજપને 16, કૉંગ્રેસને 10 બેઠક મળી હતી. 1998માં ભાજપ 19, કૉંગ્રેસ 7, 1999માં ભાજપ 20, કૉંગ્રેસ છ, 2004માં ભાજપ 14, કૉંગ્રેસ-12, 2009માં ભાજપ 15 કૉંગ્રેસ 11, વર્ષ 2014 અને 2019માં ભાજપે કૉંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આ રીતે 44 વર્ષમાં ભાજપે ગુજરાતને સર કર્યું છે.
1980માં ભાજપની સ્થાપના થઈ અને 1987માં રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો. 1990માં હાલના વડા પ્રદાન નરેન્દ્ર મોદીના આયોજન અનુસાર દેશમાં રથયાત્રા કાઢવામાં આવી હતી, જે ગુજરાતમાં પણ આવી હતી. આ રથયાત્રા, રામ મંદિરનો મુદ્દો ભાજપ માટે ગુજરાતમાં ખૂબ ફળદાયી સાબિત થો તેમ માનવામાં આવે છે. 1989માં ભાજપને વિધાનસભાની 70 બેઠક પર વિજય મળ્યો અને 1995માં ભાજપે પોતાના દમ પર ગુજરાતમાં સરકાર બનાવી.
1998માં ભાજપ સરકારમાં આંતરિક વિખવાદો થયા અને ત્યારબાદ 2001માં ગુજરાતમાં ભુકંપ આવ્યો. આ સમયે સરકાર ભીંસમાં આવી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જાહેર રાજકારણમાં આવ્યા. ત્યારબાદ 2002ના ગોધરાકાંડ સમયે પણ સમસ્યાઓ ઊભી થઈ પરંતુ ગુજરાત ગૌરવયાત્રા કાઢી ભાજપે બાજી સંભાળી.
આ રાજકીય મુદ્દાઓ ઉપરાંત પાયાની સુવિધાઓ, નર્મદા સરોવરનું પાણી પહોંચાડવાનું કામ, વાયબ્રન્ટ ગુજરાત સહિતના ઘણા કારણો છે જેને લીધે ભાજપ ગુજરાતમાં જંગી બહુમતીથી જીત હાંસલ કરે છે.
2014 અને 2019માં ગુજરાતના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ કેન્દ્ર સરકારમાં ઉપલા સ્થાને બેસ્યા છે ત્યારે બન્ને વર્ષોમાં ભાજપે 26માંથી 26 બેઠક પર વિજય મેળવ્યો છે. હવે આ વર્ષે પક્ષમાં વિખવાદ અને અસંતોષ હાલમાં જોવા મળે છે ત્યારે ફરી હેટ્રિક કરશે કે કેમ તે 4થી જૂને સ્પષ્ટ થશે.