ગુજરાતમાં સૂર્ય દેવનો પારો ચઢ્યો, હજુ 5 દિવસ પ્રચંડ ગરમીની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિના અંતથી જ સૂર્યદેવતા કોપાયમાન થઈ ગયા હોય તેમ તાપમાનમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તો બપોરના સમયે તો સ્વયંભૂ કરફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા લોકો જ્યુશ અને શેરડીના રસનો સહારો લઈ રહ્યાં છે. છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને વાતાવરણની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જોકે, ગરમીથી છૂટકારો મળવાની કોઈ સંભાવનાઓ નથી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં ચાલુ અઠવાડિયાના અંત અને નવા અઠવાડિયાની શરુઆતમાં કેવા ફેરફાર થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ ગુરુવારે બપોરે કરેલી આગાહીમાં વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે,
રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. જોકે, બનાસકાંઠા, આણંદમાં ગરમ રાત્રી રહેવાની સંભાવનાઓ છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રાત્રી દરમિયાન અકળામણ ઉભી થાય તેવું તાપમાન રહે તેવી શક્યતાઓ છે. આગામી બે દિવસ સુધી આ સ્થિતિ રહી શકે છે. ઉપરાંત મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે જેમાં આગામી 5 દિવસમાં હીટવેવની કોઈ ચેતવણી જણાવી નથી.