બીડી પીવાની ઇચ્છા થતા દર્દીએ વોર્ડ આગને હવાલે કર્યો, માંડમાંડ મેળવાયો કાબૂ
જામનગર: શહેરની પ્રખ્યાત ગણાતી જી.જી.હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીએ બીડી પીવાની ઇચ્છા થતા આખા વોર્ડમાં આગ લાગી હતી. જો કે હોસ્પિટલ સ્ટાફે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.
બીડી પીવાની લ્હાયમાં દર્દી એ પણ ભૂલી ગયો હતો કે તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેણે પોતે પહેરેલા ઓક્સિજન માસ્કને સળગાવેલી બીડી અડી જતા માસ્ક પણ સળગવા લાગ્યું હતું અને તેના પલંગ સુધી આગ ફેલાય તે પહેલા એલર્ટને પગલે હોસ્પિટલનો સ્ટાફ તરત વોર્ડની અંદર પહોંચી ગયો હતો. ઘટનાને પગલે વોર્ડમાં નજીવું નુકસાન થયું છે. સ્ટાફે તપાસ હાથ ધરતા દર્દીના પલંગ પાસે અડધી સળગાવેલી બીડી તથા માચિસ મળી આવ્યા હતા. જો કે વેન્ટીલેટર સહિતની મશીનરીને પણ કોઇ નુકસાન પહોંચ્યું નથી. આ મામલે હજુ આગળ તપાસ ચાલી રહી છે.
ICUની અંદર જ્વલનશીલ પદાર્થો લઇ જવાની મનાઇ છે, અને સ્ટાફ દ્વારા પણ આ વાતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, જોકે લંચ બ્રેક બાદ માહોલ શાંત જણાતા દર્દીએ એવું વિચાર્યું હોય કે કોઇનું ધ્યાન પડે એ પહેલા બીડી પી લઇએ અને એમ કરતા ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થયું હોય તેમ બને. સદ્નનસીબે આ ઘટનામાં દર્દીને મોં પર તથા આંગળીઓમાં થોડીઘણી ઇજા પહોંચી છે, આ ઉપરાંત તે જે વોર્ડમાં હતો ત્યાં સીસીટીવી પણ નહોતા જેથી ખરેખર આગ કઇ રીતે લાગી હશે તે કળવું મુશ્કેલ થઇ રહ્યું છે.