સરકાર પાસે ન્યાયની આશ, મંગળવારે રાજકોટ બંધનું કોંગ્રેસી એલાન
રાજકોટમાં ગત મહિને 25મી એ ટીઆરપી ગેમઝોન લાગેલી ભીષણ આગમાં 28 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને આવતીકાલે એક મહિનો પૂર્ણ થશે. ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજકોટ બંધને જડબેસલાક બનાવી પીડિત પરિવારોને ન્યાય અપાવવા તપતી ગરમી વચ્ચે એકાકાર થઈને કામ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભ્રષ્ટ્ર-આચાર અને વિચાર ધરાવતી મહાનગરપાલિકાની નેતાગીરી,મળતીયો પોલીસ વિભાગ અને તેના પાપે આ કરુણ ઘટના ઘટી છે. ઉપરાંત, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવારો સાથે વાતચીત કરી રાજકોટના મુદ્દાને સંસદમાં ઉઠાવી મોદી સરકારને ઘેરવા માટે બાંયધરી આપી છે.
રાજકોટમાં કોંગ્રેસ નેતાઓએ શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવા સાથે આ બંધને રાજકીય નહીં પરંતુ સામાજિક અને ન્યાયની લડતનો મુદ્દો દર્શાવ્યો છે.
આ પણ વાંચો : TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ રાજનીતિનો નહીં માનવતાનો સાથ આપવાનો સમય છે. કાલે રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને ઘટનાનો વિરોધ નોંધાવે. શક્તિસિંહે કહ્યુ અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરે. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશુ. જો કે, સાથે એવી અપીલ પણ કરી કે, જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો. બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.
કોંગ્રેસના આ બંધના એલાનને બાર એસોસિશને ટેકો આપ્યો છે અને માત્ર અરજન્ટ કેસ સિવાય કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ બંધના એલાનને લઈને અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોનો મત થોડો અલગ છે. પીડિત પરિવારો કહી રહ્યા છે કે, ચોક્કસથી કડક અને ઝડપી કાર્યવાહીની જરૂર છે પરંતુ આ મુદ્દે રાજનીતિ થાય તે યોગ્ય નથી.
SITનો રિપોર્ટ સરકાર પાસે
રાજ્ય સરકારે રાજકોટ અગ્નિ કાંડમાં રચેલી સીટ નો અહેવાલ રાજ્ય સરકારને સુપરદ થયો છે. રાજ્ય સરકાર આ અહેવાલને ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરશે. આ વચ્ચે પણ બે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સખત શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી. અને કહ્યું હતું,નાંની માછલીઓ પર કાર્યવાઈ દેખાય છે પણ મોટા મગરમચ્છ પર કોઇ કાર્યવાહી નથી દર્શાતી.