આપણું ગુજરાત

તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશના યુવાનોમાં કર્યું ઉર્જા ભરવાનું કામ; ગૃહમંત્રી અમિત શાહ

રાષ્ટ્રધ્વજના સન્માનમાં 8 થી 15 ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે તિરંગા યાત્રા પ્રસંગે જણાવ્યુ હતુ કે, આજે મેડમ ભીખાઈજી કામાની પુણ્યતિથિ પર અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમના બલિદાનને યાદગાર કરવાનો દિવસ પણ છે. આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે અમદાવાદ આગળ વધી રહ્યું છે. તિરંગા યાત્રા થકી અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે. એટલું જ નહિ પાંચ કિલોમીટર સુધીની યાત્રામાં માનવ મહેરામણ જોવા મળ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રા થકી લોકોમાં દેશભક્તિ જાગૃત થાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં થયું છે. આ તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશભરના યુવાનોમાં એક ઉર્જા ભરવાનું કામ કર્યું છે.

કેન્દ્રિય ગૃહમંત્રી એ ઉમેર્યું કે, , આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ 2047માં સંપૂર્ણ વિકસિત દેશ બને તેમજ દરેક ક્ષેત્રમાં ભારત દુનિયાનું પ્રતિનિધિત્વ કરે એ દિશામાં આગળ વધી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના શાસનમાં ભારત દેશ એ અનેક ક્ષેત્રોમાં વિશ્વ આચંબિત થાય એવા કાર્યો કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આતંકવાદ અને નકસલવાદ પીડિત રાજ્યોમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. એટલું જ નહિ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પણ નરેન્દ્રભાઈના શાસનમાં થઈ છે. કોરોનાકાળમાં ટેકનોલોજીના ઉપયોગ થકી 130 કરોડ નાગરિકોને બે-બે વાર રસીનો ડોઝ આપવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

વર્ષ 2047માં પૂર્ણ વિકસિત ભારત બને એ માટે દેશના તમામ યુવાનોએ આગળ આવવાની અપિલ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદગાર બનાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવી છે અને આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશમાં એક લોકોત્સવ બની ગયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “નરેન્દ્રભાઇ મોદીનું સ્પષ્ટ માનવું છે કે, તિરંગો લોકોને એક સાથે લાવે છે. આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો અવસર મળ્યો છે.”

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત દેશ વિકાસની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યો છે. આપણી માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને સ્વરાજ અપાવ્યું એ જ રીતે આપણા બે સપૂત નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એ દેશને સુરાજ્ય અપાવ્યું છે.

આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જાગી છે. આમ, ‘હર ઘર તિરંગા’ અભિયાન એક જન આંદોલન પણ બની ગયું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

તિરંગા યાત્રાનો પ્રારંભ વિરાટનગર ઝોનલ ઓફિસ (પૂર્વ ઝોન)થી કેસરી નંદન ચોક (ફુવારા સર્કલ)થી થયો હતો. ત્યારબાદ આ યાત્રાનું બેટી બચાવો સર્કલ થઇ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી જમણી બાજુ વળી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવણવાડી સર્કલ થઇ ખોડીયાર મંદિર, નિકોલ પાસે સમાપન થયુ હતું.

આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો તથા શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજ જેવા કે વોહરા સમાજ, તેરાપંથ સમાજ, જૈન સમાજ, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારી તથા ગાયત્રી પરિવાર, રબારી સમાજ, ભાગવત વિદ્યાપીઠ, પતંજલિ-શ્રી બાબા રામદેવ, કેથલિક સમાજ, વોરા સમાજના લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ૫૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.

આ તિરંગા યાત્રા પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ,અમદાવાદના મેયર પ્રતિભા જૈન, મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારસન, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો, વિવિઘ મહાનુભાવો, કલાકારો, સામાજિક અગ્રણીઓ, વિવિધ પોલીસ શાખાઓના જવાનો, સંતો-મહંતો, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button