આપણું ગુજરાત

અમદાવાદના આ શિવમંદિરોઃ શ્રદ્ધા સાથે ભવ્ય ઈતિહાસ પણ ધરબાયેલો છે અહીં

અમદાવાદઃ જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. હર હર ભોલેના નાદ સાથે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. ભવનાથનો મેળો તેની પૌરાણિક કથાઓને લીધે પ્રસિદ્ધ છે. ધર્મ સાથે ઈતિહાસ પણ જોડાયેલો છે અને તેથી આપણા ઘણા ધાર્મિક સ્થળો ઐતિહાસિક વારસો પણ ધરાવે છે. સોમનાથ હોય કે દ્વારકાનું મંદિર કે પછી પાવાગઢ, આ તમામ સ્થળો સાથે કેટલીય પૌરાણિક કથાઓ જોડાયેલી છે, ઈતિહાસ જોડાયેલો છે. આજે આપણે આવા મંદિરોની જ વાત કરવાના છીએ, જે અમદાવાદ શહેરમાં આવેલા છે. આ તમામ મંદિરો ભગવાન શિવના છે અને સદીયો જૂનો ઈતિહાસ ધરાવે છે. લોકો ઊંડી શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવે છે.

કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર
અમદાવાદનું નામ કર્ણાવતી હોવું જોઈએ તેવી દલીલ જેના પર આધારિત છે તેવા ઘણા સ્થાપત્યોમાનું એક છે કર્ણદેવ મંદિર. લગભગ 1100 વર્ષથી આ મંદિર શહેર વસ્યા પહેલાના અને પછીના ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ શહેરના સારંગપુર વિસ્તારમાં છે આજે પણ અમદાવાદના નગરદેવતા તરીકે તેની પૂજા થાય છે. ઐતિહાસિક માહિતી અનુસાર પૂર્વે અહીં આશાવલ્લી નામનું રાજ્ય હતું. વર્ષ 957માં પાટણપતિ કર્ણદેવ સોલંકીએ આશાવલ્લીના રાજા આશાભીલને હરાવી અહીં કર્ણાવતી નગરી વસાવી હતી. તેમણે જ આજે કાંકરીયા તરીકે પ્રસિદ્ધ કર્ણસાગર તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને સાથે જ આ નગરની રક્ષાર્થે કર્ણેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ જ કર્ણેશ્વર મહાદેવ આજે કર્ણમુક્તેશ્વર ના નામે પ્રસિદ્ધ છે.

મહેશ્વર મંદિર
અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં એક હજાર વર્ષથી વધારે પ્રાચિન અને પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. એક માન્યતા મુજબ આશુતોષના આ સોમનાથ સ્વરૂપના મંદિરમાં રહેલા ધુણાની ભભૂતિથી પશુઓ અને માણસોને થતા ચામડીના રોગ દૂર થાય છે તેવી માન્યતા છે. કહેવાય છે કે એક હજાર વર્ષ પહેલા પ્રભાસના સોમનાથ તીર્થથી લાવીને અહીં અખંડ જ્યોત પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

Also read: મંદિરોમાં VIP દર્શનઃ અસમાનતા દૂર કરવા સરકારને પગલાં ભરવા સુપ્રીમ કોર્ટની ટકોર

નિલકંઠ મહાદેવનું મંદિર
મંદિરો સ્વયંભૂ ઊભા થયાની ઘણી વાતો આપણે સાંભળી છે. અમદાવાદમાં પણ એક એવું મંદિર છે, જેની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું માનવામાં આવે છે. અમદાવાદના આસરવા વિસ્તારમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરની આ વાત છે. આ મંદિરનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. અહીં પાંડવો પૂજા કરતા હતા તેમ કહેવાય છે. આ મંદિરના જે મહંત બને તે મંદિરનું દ્વાર ઓળંગી શકતા નથી. તેમની સમાધિ પણ અહીં જ બનાવવામાં આવે છે. અહી શિવરાત્રીના રોજ એક નાનકડો મેળો પણ ભરાઈ છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યમાં અહીં આવે છે.

રખિયાલનું ચકુડિયા મહાદેવ મંદિર
રાત્રે ને દિવસે અમદાવાદનો જે વિસ્તાર ફેલાતો જાય છે તેવા રખિયાલમાં ચકુડિયા મહાદેવ મંદિર આવેલુ છે. ચકોડીયા મહાદેવ મંદિર 200 વર્ષ કરતા જૂનું છે. અહીં હાલમાં 20 ફૂટ ઊંચું શિવલિંગ પણ આવેલું છે. ભગવાન શંકરનું પૌરાણિક મંદિર પહેલા ચોટિયા મહાદેવના નામથી પ્રચલિત હતું.. હાલ તે ચકુડિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર આશરે 265 વર્ષ જુનું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો મંદિરના નિર્માણ સમયે કૂવો ખોદવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ શિવલિંગ મળ્યું હતું. તેમાં સાત ચોટી હતી. ત્યાર બાદ ભગવાન શંકર અને માં પાર્વતીની મૂર્તિ પણ મળી હતી. શ્રાવણ માસ અને શિવરાત્રી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભાવકો આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button