હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન બ્રોડગેજમાં પરિવર્તિત: 125 કિ.મી.ની સ્પીડ ટ્રાયલ સફળ, ટૂંક સમયમાં શરૂ થશે...

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન બ્રોડગેજમાં પરિવર્તિત: 125 કિ.મી.ની સ્પીડ ટ્રાયલ સફળ, ટૂંક સમયમાં શરૂ થશે…

અમદાવાદ: એક સદીથી વધુ સમયથી સાબરકાંઠા પ્રદેશની જીવાદોરી સમાન હિંમતનગર અને ખેડબ્રહ્માને જોડતી ઐતિહાસિક મીટરગેજ રેલ્વે લાઇન હવે આધુનિક બ્રોડગેજ સ્વરૂપમાં ફરી ખુલવા જઈ રહી છે. હિંમતનગર-ખેડબ્રહ્મા મીટરગેજ સેક્શન પર 01 જાન્યુઆરી 2017 થી રેલ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો.

આ પછી, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમીના અંતરને આવરી લેતો હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, 2 જૂન 2022 ના રોજ ₹482 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. આ ગેજ કન્વર્ઝનનો શિલાન્યાસ માનનીય પ્રધાનમંત્રી દ્વારા ૧૮ જૂન ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યો હતો, જેણે લગભગ ૩ વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

રેલ્વે દ્વારા કરવામાં આવ્યું સેફટી નિરીક્ષણ
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનનું ગેજ કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જેનું સલામતી નિરીક્ષણ ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન પશ્ચિમ રેલ્વેના રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા કરવામાં આવ્યું હતું.

DB

૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ હિંમતનગરથી જાદર સુધી ટ્રોલી નિરીક્ષણ, ૧૩ ઓગસ્ટના રોજ જાદરથી વડાલી સુધી ટ્રોલી નિરીક્ષણ અને ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વડાલીથી ખેડબ્રહ્મા સુધી ટ્રોલી નિરીક્ષણ અને ૧૨૫ કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમ રેલ્વે સર્કલ) દ્વારા વૈધાનિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ ટીમે સ્ટેશન સુવિધાઓ, ટ્રેક ભૂમિતિ, વળાંકો, પુલ અને રોડ અંડરબ્રિજ (RUBs) ની વિગતવાર તપાસ કરી હતી. જેમાં એક મહત્વપૂર્ણ પુલ, ૦૯ મુખ્ય પુલ, ૪૦ નાના પુલ, ૧૪ વળાંક, ૩૭ મર્યાદિત ઊંચાઈવાળા સબવે (LHS) અને એક સબવેનો સમાવેશ થાય છે.

ગેજ કન્વર્ઝનથી શું મળશે ફાયદો?
આ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ મુસાફરો અને પ્રદેશને ઘણા ફાયદાઓ પ્રદાન કરશે. હવે મુસાફરોને, ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં, વધુ સારી અને ઝડપી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. સુધારેલ માળખાગત સુવિધાઓ અને આધુનિક સલામતી પગલાં સાથે મુસાફરી હવે વધુ સલામત અને અનુકૂળ બનશે.

આ બ્રોડગેજ કન્વર્ઝન દેશના અન્ય વિસ્તારો સાથે સાબરકાંઠા પ્રદેશનું રેલ જોડાણ સુનિશ્ચિત કરશે. આનાથી શાકભાજી, દૂધના ઉત્પાદનો, લાકડાના રમકડાં અને પથ્થરના ટુકડા વગેરેની નિકાસ વધશે.

આ પણ વાંચો…ગુજરાતને રેલવેની મોટી ભેટ: સરાડીયા-વાંસજાળિયા નવી રેલવે લાઇનને મંજૂરી, સૌરાષ્ટ્રને મળશે વિકાસની ગતિ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button