મેડિકલ કોલેજોમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે હાઈકોર્ટનું આકરૂ વલણ જોતા અરજદારે અરજી પાછી ખેંચી
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણની મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયાની ઘટના હજી ભુલાઈ નથી. બીજી બાજુ અમદાવાદમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરનારા વિદ્યાર્થીએ તેને સસ્પેન્ડ કરવાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જે કેસની સુનાવણીમાં કોર્ટે આકરું વલણ અપનાવી કોલેજોમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાંથી કાયમ માટે કાઢી મૂકવા જોઇએ એવી ટકોર કરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, લોકો ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માને છે. પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના જુનિયરોનું રેગિંગ કરતા હોય તો દર્દીઓની સારવાર કેવી રીતે કરશે. હાઈકોર્ટે અરજદાર વિદ્યાર્થીને 10 લાખનો દંડ ફટકારવાની ચીમકી આપી હતી અને અરજી ચલાવવી હોય તો પાંચ લાખ ભરવા કહ્યું હતું. જેથી વિદ્યાર્થીએ એક લાખ ભરવાની તૈયારી દર્શાવતા કોર્ટે નારાજગી દર્શાવી હતી. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘સિનિયર વિદ્યાર્થીને જુનિયર વિદ્યાર્થીઓનું અપમાન કરવાની સત્તા હોય છે? શું આના માટે તમારે ગર્વ લેવો જોઇએ? તમને તો દૂર કરવા કરતા પણ કડક સજા થવી જોઇએ.
Also read: …તો, રેગિંગ પીડિતો અને સાક્ષીઓને પણ સજા થશે, ગુજરાત સરકારનો ઠરાવ
કોલેજોમાં સલામત વાતાવરણ ઊભું કરવા રેગિંગ કરતા વિદ્યાર્થીઓને દૂર કરી દેવા જોઇએ. તમે કોર્ટ સમક્ષ તમારી તરફેણમાં હોય એવા જ ડોક્યુમેન્ટ દર્શાવી રહ્યા છો, બાકીના ડોક્યુમેન્ટ દર્શાવતા નથી. આ પ્રકારનું વર્તન હોય તો તમને જે ડિગ્રી મળે એ પણ પાછી લઇ લેવી જોઇએ. તમારા વર્તનની તમારે ભારે કિંમત ચૂકવવી જ પડશે અને એ સમજવું પડશે કે તમે સિનિયર વિદ્યાર્થી છો ત્યારે આવું વર્તન ચલાવી લેવાય નહીં. કોર્ટનું આકરું વલણ જોતાં અરજદાર વિદ્યાર્થીએ રિટ પરત ખેંચી લેવાની રજૂઆત કરી હતી.