આપણું ગુજરાત

6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝટકો; હાઇકોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

અમદાવાદઃ ગુજરાતમાં બીઝેડ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કિમના ઓઠા હેઠળ 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી ફરાર થઈ ગયેલા ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

14 હજારથી વધુ લોકો બન્યા ભોગ
અત્રે ઉલ્લેખનીય છે કે, બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.

કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ત્યારે સુનાવણી દરમિયાન ગ્રામ્ય કોર્ટે સીઆઈડી ક્રાઈમને સવાલ કર્યો હતો કે, 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, અત્યાર સુધી બીઝેડ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે, આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો?

હજુ પ્રાથમિક તપાસ ચાલુ
જેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે” હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે બીઝેડના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે. આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઈપણ લાયસન્સથી પરમિશન વગર કયાં કંપનીઓ ઉભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાયું છે, આ રોકાણ કરાવવા માટે એજન્ટો પણ અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. આ બીઝેડ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસ પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઈફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટ આપી રોકાણકારોને વધુ આકર્ષક માટે લાલચ આપવામાં આવતી હતી.

આપણ વાંચો: Gujarat માં 6000 કરોડના કૌભાંડમાં CID ના દરોડા, તગડા વળતરની લોકોને આપી હતી લાલચ…

મોંઘી દાટ ગાડીઓ પણ ખરીદી
ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો અને મર્સિડીઝ જેવી મોંઘી દાટ ગાડીઓ પણ ખરીદવામાં આવી હતી. વર્ષ 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 225 સ્થાવર મિલકત ખરીદી છે. જેની બજારમાં કિંમત 30 થી 33 કરોડ માનવામાં આવી રહી છે, તદુપરાંત સરકારે બજેટ કૌભાંડ મામલે 49 રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button