આપણું ગુજરાત

રખડતાં ઢોર મામલે હાઈ કોર્ટમાં પોલીસ કમિશનરને આજે એફિડેવિટ રજૂ કરવા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રખડતાં ઢોર મામલે બુધવારે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી દરમિયાન અધિકારીઓ પર હુમલાની બે ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને આગામી સમયમાં આ પ્રકારના બનાવો ન બને એ માટે પોલીસ કેવા પ્રકારના પગલાં ભરશે એ અંગે અમદાવાદ પોલીસ કમિશનરને ગુરૂવારે એફિડેવિટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

હાઈ કોર્ટ દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, જાણવા માગીએ છીએ કે નિકોલ સહિતના એક વિસ્તારમાં મનપાના અધિકારીઓ પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કેવા પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યાં છે એવા સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને જે સ્થળે આ બનાવો બન્યા છે ત્યાં પોલીસ કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેથી આ પ્રકારની ઘટના બીજી વખત ન બને.

કોર્ટે જણાવ્યું હતું કે, ગુરૂવાર સવારે પોલીસ કમિશનર દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવે કે, જે અધિકારીઓ કાયદો વ્યવસ્થા જાળવવા જઇ રહ્યા છે, તેમને તેઓ પોલીસ ફોર્સ પ્રોવાઈડ કરશે. કારણ કે આ પ્રકારના હુમલાથી સમાજમાં એક ખોટો સંદેશ જઇ રહ્યો છે અને જે અધિકારીઓ કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરવા જઇ રહ્યા છે તેઓનો ઉત્સાહ ઘટી રહ્યો છે. જેથી પોલીસ કમિશનર ગુરૂવારે એફિડેવિટ ફાઈલ કરે અને જણાવે કે કેવા પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યા છે અને આ પ્રકારના હુમલા રોકવા કેવા પ્રકારનાં પગલાં ભરાશે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અધિકારીઓને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે એવું અવલોકન કોર્ટે કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button