પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોને હાઇકોર્ટના જામીન :શક્તિસિંહે કહ્યું પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે’

અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ગઇકાલે કરવામાં આવેલી અરજીની સુનાવણી પર સરકારી વકીલે સમય માંગતા આજની કાર્યવાહી દરમિયાન પાંચે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે.
આ મામલે અરજદારના વકીલે અરજી કરતાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પંચ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તે પાંચે 5 આરોપીઓ સામે BNSની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની 121(1) સિવાય બીજી બધી કલમો જામીન પાત્ર છે અને હકીકતે તો અરજદાર જ આ ઘટનાના પીડિત છે. અરજદારોની ધરપકડ કાર્યાલયની અંદરથી કરવામાં આવી છે. ફરિયાદમાં ટોળાં સામે આક્ષેપ કરવામાં આવ્યા હોવા છતાં આ ઘટનામાં ફક્ત પાંચ લોકોની જ ધરપકડ કરાઈ છે, જ્યારે સામેવાળા પક્ષના કોઈની પણ ધરપકડ કરાઈ નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ
આ મામલે ગઇકાલે ગુરુવારે કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી, જેમાં સરકારી વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવતા આજે શુક્રવારે જજ એમ.આર.મેંગડેએ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વકીલ તરીકે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોહિલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારા કાર્યકરોને મળેલી જામીનથી ખુશી છે. ભાજપની મનમાનીથી કોંગ્રેસના 5 કાર્યકરોએ જેલમાં રહેવું પડ્યુ છે. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયે અંધારામાં આવીને તોડફોડ કરી હતી અને તાંડવ મચાવ્યું હતું
શક્તિસિંહ ગોહિલે પોલીસ પર આરોપ કરતાં કહ્યું હતું કે ‘પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે, બીજું કશું કરતી નથી. ભાજપના ગુંડાઓને તેના પક્ષના ધારાસભ્યના પુત્રએ પોલીસ પાસેથી છોડાવી દીધા હતા. જ્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી. જો કે આ મામલે કોંગ્રેસ ચૂપ નહિ રહે અને સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરશે. અમે પોલીસને ફરજ બજાવવા કહ્યું પણ પોલીસે ફરજ બજાવી નથી. હાઇકોર્ટે વિશાળ દ્રષ્ટિ રાખીને પાર્ટીનાં કાર્યકર્તાઓને જામીન આપવામાં આવી છે.