ગીર અભયારણ્યમાં ટ્રેન અકસ્માતોથી સિંહોના મોત મામલે હાઈકોર્ટ લાલઘુમ, રેલ્વે વિભાગને લગાવી ફટકાર
એશિયાટિક સિંહો માટે જગવિખ્યાત ગીર અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે રેલ્વે સત્તાવાળાઓ અને વન અધિકારીઓને ફટકાર લગાવી છે. સિંહોની સુરક્ષા મામલે દાખલ જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરૂધ્ધ માયીની બેન્ચે રેલ્વે સત્તાવાળાઓ અને રાજય સરકારના સત્તાધીશોને બહુ માર્મિક ટકોર કરી સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો અમલ કરવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP)ની કડક તાકીદ કરી હતી.
આ પણ વાંચો: હાફુસ કેરીના મબલખ ઉત્પાદનની અસર, ભાવ 40 ટકા જેટલો ઘટ્યો
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની બેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓએ દરરોજ મીટિંગ કરવી જોઈએ અને તેઓ ઊંઘી પણ ન શકે, પરંતુ 12 એપ્રિલ સુધીમાં સિંહોના શૂન્ય અકસ્માતની ખાતરી કરવા માટે એસઓપી તૈયાર કરવી જોઈએ. જાન્યુઆરીમાં રેલ્વે ટ્રેક પર બે સિંહોના મૃત્યુની તપાસ ન કરવા બદલ રેલ્વે અધિકારીઓની ઝાટકણી કાઢતા ન્યાયાધીશોએ સવાલ કર્યો કે, “આવી પરિસ્થિતિમાં તમે સૂઈ કઈ રીતે શકો?.”
હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટીની ઝાટકણી કાઢી સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહોના અકાળે મૃત્યુ થયા છે. પરંતુ હવે કોર્ટ તેને સહન કરી લેશે નહીં. તમને ખબર છે કે, એક સિંહને ગુમાવતા બીજો સિંહ તૈયાર થતાં કેટલો સમય વહી જાય છે.. જાન્યુઆરી મહિનામાં જ બે સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હતા, જે બહુ ગંભીર વાત કહી શકાય. સિંહો આ રાષ્ટ્રનું ગૌરવ છે, તેથી રેલ્વે અને ફોરેસ્ટ મુદ્દે વિભાગ સાથે બેસી ચોક્કસ માર્ગદર્શિકા બનાવે કે જેથી સિંહોના અકસ્માત અને અકાળે મૃત્યુ ઝીરો દરે લાવી શકાય.
આ પણ વાંચો: અમદાવાદ સ્ટેશનની કાયાપલટઃ અમુક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર, જાણો મહત્ત્વની અપડેટ!
કોર્ટે રેલ્વેને વન અધિકારીઓ સાથે સમગ્ર અભયારણ્યમાં અને 100 કિમીની ત્રિજ્યાના વિસ્તારોમાં પાટા પર ફરીથી ફેન્સીંગ લગાવવાની જરૂરિયાત અંગે ચર્ચા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જંગલ વિસ્તારમાં ગેજ કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફિકેશનની યોજનાઓ પડતી મૂકવા અંગેના મીડિયા રિપોર્ટને ટાંકીને એમિકસ ક્યુરી હેમાંગ શાહના રિપોર્ટની નોંધ લીધી હતી. જોકે, રેલવેએ અમરેલી-ખીજડિયા રૂટના ગેજ કન્વર્ઝન માટે આયોજન કર્યું હતું, કોર્ટે કહ્યું કે જો આ વિસ્તાર સંરક્ષિત ઝોનની બહાર હોય તો પણ સિંહો આ વિસ્તારમાં પણ ફરે છે અને ગેજ કન્વર્ઝન હાનિકારક રહેશે અને રેલવેએ પણ આ વિચાર પડતો મુકવો જોઈએ.
ગીરમાં રેલ્વેની સ્પીડ 45 કિ.મી પ્રતિ કલાકની હોય છે. જો. કે, હાઈકોર્ટે રેલ્વેના તમામ બચાવને ફગાવી દઈ તપાસ રિપોર્ટ વિનાના અને ચોક્કસ માહિતીઓ વિનાના સોંગદનામાને પણ સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને રેલ્વે ઓથોરીટીને નવેસરથી વિગતવાર ખુલાસા અને માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી હતી.
આ પણ વાંચો: Ahmedabad Airport: અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી, મલેશિયાની સીધી ફ્લાઈટ શરુ થશે
હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન રેલ્વે ઓથોરીટીના વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી એક તબક્કે એવી ગંભીર ચીમકી આપી હતી કે, જો રેલ્વે ઓથોરીટી યોગ્ય રીતે કામ નહી કરે તો, ગીરના જંગલમાંથી પસાર થતી તમામ ગુડ્સ ટ્રેનના ટ્રેક બદલવા માટે અદાલતને ના છૂટકે આદેશ આપવો પડશે.
હાઈકોર્ટે રેલ્વેને સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમારે જે કરવું હોય તે કરો પણ સિંહના અકાળે મૃત્યુ ના થાય તે માટે ઝીરો અકસ્માત પોલિસીને પરિણામલક્ષી અમલ કરો .ન્યાયાધીશોએ કહ્યું કે સિંહ જંગલનો રાજા છે, જે તેના વિસ્તારનો નિર્ણય લે છે. “અમે તેમની વસ્તી ઘટે નહીં તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તેમની સંખ્યામાં વધારો થવો જોઈએ.