વડોદરા હરણી લેક કાંડમાં હાઇકોર્ટ લાલઘૂમ; કોની સામે શિક્ષાત્મક પગલાં લેવા કર્યો હુકમ ?

વડોદરાના હરણી લેક ઝોનમાં જાન્યુઆરી મહિનાની 18મીએ ઘટેલી એક દુર્ઘટ્નામાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કરવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ કરતાં કહ્યું કે,કોન્ટ્રેકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવતા પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ, આ સોંગંદનામાથી નાખુશ છે કોર્ટે ટકોર કરતાં નોંધ્યું કે, આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રેક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે ઓર્ડરમાં એ વસ્તુ નોંધી કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની આર્થિક સદ્ધરતા શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની આર્થિક સદ્ધરતા એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.
વડોદરાના હરણી-મોટનાથ તળાવ હોડી દુર્ઘટનાનો મુખ્ય સુત્રધાર ફરસાણ હાઉસ ચલાવતો હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કોટીયા પ્રોજેક્ટના માલિક પિતા-પુત્ર હરીશ કોટિયા, બિનીત કોટીયા છેલ્લા કેટલાંક વર્ષોથી દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં “મનોરથ ફરસાણ હાઉસ” નામની દુકાન (હોટલ) ચલાવતા હતા તો અન્ય જેમની સામે પણ ભાગીદારીના આક્ષેપ હોવા સાથે મોટનાથ તળાવના પ્રોજેક્ટમાં જોડાયેલા અને હાલ પોલીસ કસ્ટડીમાં લેવાયેલા બિલ્ડર ગોપાલદાસ શાહ અને પેટ્રોલ પંપના માલિક પરેશ શાહ ઊંચી વગ ધરાવતા બિઝનેસમેન છે. આ લોકોએ એક સંપ કરી કોટીયા પ્રોજેક્ટ કંપનીનો ઉપયોગ કરી પોતાનો ધંધો કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો હજુ પણ ફરાર એવો નિલેશ જૈન સુરત અને વડોદરા નજીક આવેલા મનોરંજક પ્રોજેક્ટોનો ધંધો સેટ કરીને બેઠેલો હોવાનું જાણવા મળ્યું છે.