શિક્ષણના ડુંગરે રે ડુંગરે ભાજપ તારા ભ્રષ્ટ્રાચારના ડાયરા: કોંગ્રેસનાં હેમાંગ રાવલે કર્યા સણસણતા આક્ષેપ
ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે. એક તરફ વિદ્યાસહાયકની ભરતી માટે લાખો ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યાં છે, આંદોલન કરી રહ્યાં છે અને તેમને જ્ઞાન સહાયક બનાવીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નો શિકાર બનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારે નિર્લજ્જતાની હદ્દ વટાવી છે. રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર બેઠા છે અને સરકારના જવાબદાર અધિકારીઓ તેમના સગા – વ્હાલાને સાચવી લેવા માટે હોડ કરી રહ્યા છે. ભાજપ સરકાર લાજવાની બદલે ગાજી રહી છે અને કૌભાંડો સામે આંખ આડા કાન કરી રહી હોવાનું કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે કહ્યું છે.
કોંગ્રેસ પ્રવકતા રાવલે ઉમેર્યું કે, સમગ્ર કૌભાંડની ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ સચિવને પણ જાણ હતી, પુરાવા સાથે આ વાત તેમની સામે પહોંચી હોવા છતાં પણ આ રમત રમાતી રહી. ગુજરાતમાં વર્ષ 2010 માં ખેડા જિલ્લામાં 141 વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી.
141 ભરતીની સાથે 23 એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં 63ની બદલે 67 ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં 3 વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા.
વ્યાજબી છે કે, સરકારી મહેકમમાં જાહેર કરેલ 141 સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ 23 શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. ૧૪ વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. 14 વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ વેડફતી આ ભાજપ સરકાર છે. બેરોજગારો, યુવાધનને 30 વર્ષથી અન્યાય કરતી આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે.
વર્ષ2008 માં સ્પોર્ટ્સના માર્ક્સ મેરિટમાં ગણવાનો ઠરાવ આવ્યો હતો. છેલ્લા13 વર્ષથી “ખેલો ઇન્ડિયા” “રમશે ગુજરાત અને જીતશે” ગુજરાતના રૂપાળા સ્લોગનથી ગુજરાતમાં કરોડો રૂપિયા વપરાય છે. ખેલો ઈન્ડિયા હેઠળ મોદી સરકારે દેશમાં સૌથી વધારે બજેટ ગુજરાતને 593 કરોડનું ફાળવ્યું છે પણ ગુજરાત કબડ્ડી એસોસિયેશન નામની સંસ્થાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ઉમેદવારોને સર્ટીફીકેટ આપ્યા હતા. આ ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા 84 શિક્ષકોની જાણ થતાં તેમની ચકાસણી કરવામાં આવી અને સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, જેથી જામનગર શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા. તે જ પ્રમાણે વડોદરામાં 33 જેટલા શિક્ષકોને છૂટા કર્યા. પરંતુ, આ જ સંસ્થા, ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા 32 સરકારી શિક્ષકો હાલમાં ખેડા જિલ્લામાં નોકરી કરી પગાર લઈ રહ્યાં છે.
વર્ષ 2008 માં આ જ રીતે 257 જાહેર કરેલ જગ્યા પર વધારાના 64 ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.
ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક,20 જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી. તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ 21 ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે.
જ્યારે પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. 2008 ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.
વર્ષ- 2008
શિક્ષક ભરતી જાહેરાત -257
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- 64
કુલ ભરતી- 321
વર્ષ- 2010
શિક્ષક ભરતી જાહેરાત – 141
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા-23
કુલ ભરતી- 164
આમ, માત્ર એક જ જિલ્લામાં (ખેડા) જાહેરાત થયેલ ભરતી અને મહેકમ કરતાં 87 શિક્ષકોની ભરતી વધારાની, ભ્રષ્ટાચાર દ્વારા કરીને ખરેખરમાં સાચા મહેનત કરીને મેરિટમાં આવેલ યુવાનોને અન્યાય થયેલ છે તથા સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગ કરે છે કે, આ કૌભાંડની સી.બી.આઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ, સમગ્ર ગુજરાતની 2010 થી થયેલ શૈક્ષણિક ભરતીઓની તપાસ કરી તેઓએ રજૂ કરેલ સર્ટીફિકેટની ચકાસણી કરાવીને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે લોકો બોગસ – નકલી સર્ટિફિકેટ સાથે નોકરીમાં જોડાયા છે તેમને સત્વરે ઘરે બેસાડવા જોઈએ. સાથે જ, જે સંસ્થાઓ – વ્યક્તિઓએ આ બનાવટી કાંડમાં મદદ કરી છે તેઓને પણ કડક સજા કરવી જોઈએ અને બેરોજગારોને ન્યાય આપી જલ્દીથી ખાલી થયેલા મહેકમ ભરવા જોઈએ.