Gujarat માં હજુ પણ ભારે વરસાદની આગાહી , બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર સક્રિય
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ફરી એકવાર ધોધમાર વરસાદના રાઉન્ડની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવી શકે છે. જો આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને વિખેરાઈ જાય એટલે કે નબળી પડી જાય તો ગુજરાતમાં તેની અસર ઓછી થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે. જેના કારણે ફરીથી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમા હાલ વરસાદનું જોર ઘટ્યુ
ગુજરાતમા હાલ વરસાદનું જોર ઘટ્યુ છે. જેના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હાલ છુટોછવાયો હળવોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સાવ ઘટી ગઇ છે. જ્યારે હવામાન વિભાગે શનિવારે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાં ક્યાં વરસાદની શક્યતા રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિદાય લે તેવી શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહ્યું છે. કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસે તે બાદ એક મહિનામાં તે સમગ્ર દેશમાં બેસી જાય છે અને વિદાય લેતું હોય છે. ગુજરાતમાં મોટાભાગે સપ્ટેમ્બર મહિનાની 20 તારીખથી કચ્છથી ચોમાસાની વિદાય થતી હોય છે. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે આ વર્ષે ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિદાય લે તેવી શક્યતા છે.
Also Read –