આપણું ગુજરાત

ભાદરવો ભરપૂર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ; ભાદર ડેમના 20 દરવાજા ખોલાયા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાથિયા નક્ષત્રની અસર જોવા મળી રહી છે. ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જેતપુર સહિતના પંથકમાં અતિભારે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ સાથે જ ભાદર સહિત અનેક ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.

રાજ્ય પર બે સિસ્ટમ સર્જાયેલી છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. આજે જૂનાગઢ શહેરમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જુનાગઢના ગિરનારના જંગલ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે સીડી પરથી પાણીનો પ્રવાહ ધોધની માફક વહ્યો હતો. તળેટીમાં સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભવનાથમાં દામોદર કુંડમાં પણ પાણીનું બિહામણું સ્વરૂપ જોવા મળ્યું હતું.

આ સિવાય રાજકોટના ગોંડલ તાલુકાના નિલાખા ગામે આવેલ ભાદર-1 ડેમ પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં ઓવરફલો થયો છે. જો કે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પાણીની આવકને ધ્યાનમાં લઈને ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં પ્રતિ કલાક 36687 ક્યુસેક પાણીની આવક સામે પ્રતિ કલાક 36687 ક્યુસેક જાવક છે.

રાજ્યમાં સાર્વત્રિક પડી રહેલા વરસાદને પગલે જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 92 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે 113 ડેમ સંપૂર્ણ ભરાયા છે. તેમજ 66 ડેમમાં 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 158 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button