દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો...
Top Newsઆપણું ગુજરાત

દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો…

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે; 28-29મીના ચક્રવાતની સંભાવના

અમદાવાદઃ દિવાળીના તહેવારની હજુ લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે એકાએક ગુજરાતના વાતાવરણમાં પલટો થઈ રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં માવઠું થવાથી સ્થાનિકોની સાથે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં સાત દિવસ માવઠાનો માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાં સાત દિવસ સુધી માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ, 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જેના કારણે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયુક્ત પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાશે.

ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતની આસપાસ 2 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠારૂપી આફત જોવા મળશે. આમ માવઠાનો કહેર આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. શિયાળામાં પણ ચોમાસાથી રાહત મળવાની કોઇ શકયતાઓ નથી.

28-29 ઓક્ટોબરમાં એક સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ
અંબાલાલ પટેલના મતે 22મી ઓક્ટોમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે વાતાવરણ વાદળછાયું રહી શકે છે અને હળવો વરસાદ પણ થઈ શકે છે. હવામાનની સૌથી મોટી ગતિવિધિ બંગાળની ખાડીમાં થવાની શક્યતા છે. 23 અને 24 ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે. આ સિસ્ટમ મજબૂત બનીને 28 અને 29 ઓક્ટોમ્બર સુધીમાં એક ભારે ચક્રવાતમાં ફેરવાઈ જવાની શક્યતા છે.

સાતમી નવેમ્બર પછી દક્ષિણમાં ભારે વરસાદ પડશે
આ દરમિયાન પવનની ગતિ 100 થી 150 કિલોમીટર પ્રતિકલાક જેટલી રહી શકે છે. બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, જેની અસર દક્ષિણ ભારતમાં પણ વર્તાશે. 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જોવા મળશે. નવેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનું હવામાન પલટાઈ જશે અને જાણે શિયાળો અને ચોમાસું એકસાથે આવ્યું હોય તેવો માહોલ જણાશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button