રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું: 142 તાલુકામાં વરસાદ નોંધાયો…

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. રાજયમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત માછીમારોને 20 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સલાહ આપી હતી.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બોટાદાના રાણપુરમાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડામાં 2.20 ઇંચ, દસાડામાં 2.17 ઇંચ, ઉનામાં 2.09 ઇંચ, લીંબડીમાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં 5 તાલુકામાં 2 ઇંચથી વરસાદ નોંધાયો હતો. 23 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 114 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 65.67 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 65.67 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 70.11 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 65.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.89 ટકા, પૂર્વ મધ્યમાં 67.46 ટકા, સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 75.11 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 70.59 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ હોવા છતાં હજુ પણ 32 જળાશયો 25 ટકાથી પણ ઓછા ભરાયા છે. રાજ્યમાં 51 ડેમ હાઇ એલર્ટ પર છે.