Gujarat માં 200 થી વધુ તાલુકામાં વરસાદ, આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
22 કલાકમાં રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 4 વાગ્યા સુધીના 22 કલાકમાં રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકામાં 3 ઈંચથી 14 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
SDRFની ટીમ તૈનાત કરવામાં આવી
જેમાં 4 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ છે. SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતા જોવા મળી. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ અનેક જિલ્લામાં રેડ એલર્ટ છે
રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરાઇ છે તો સાથે અમદાવાદ સહિત તાપી, ડાંગ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ તથા આણંદ, વડોદરા, સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
| Also Read: Gujarat માં આજથી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ ગુજરાત માટે અતિભારે છે. આજે ઉત્તર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ઑફોશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.