સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનું ‘ઓરેન્જ એલર્ટ’, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા…

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, હાલ ગુજરાત ઉપર ડિપ્રેશન સર્જાયું છે અને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતના અનેક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં આગામી ત્રણ દિવસ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા મુજબ, રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના તાલાલામાં સૌથી વધુ 1.69 ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળામાં 1.65 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.65 ઇંચ, સુત્રાપાડામાં 1.61 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ, વઢવાણમાં 1.50 ઇંચ, માંગરોળ (જુનાગઢ)માં 1.46 ઇંચ, માળીયા હાટીનામાં 1.26 ઇંચ, ભચાઉમાં 1.14 ઇંચ, ભેંસાણમાં 1.06 ઇંચ, મેંદરડામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 124.51 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 148.41 ટકા, ઉત્તર ગુજરાતમાં 123.48 ટકા, પૂર્વ મધ્યમાં 123.20 ટકા, સૌરાષ્ટ્રમાં 117.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 130.48 ટકા વરસાદ વરસ્યો છે.
આવતીકાલે અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. દ્વારકા, રાજકોટ, બોટાદ તથા દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
31 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.



