આપણું ગુજરાત

Gujaratમાં વરસાદની આગાહી પણ ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારો

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે અમદાવાદ, વડોદરા સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુપણ વરસાદ જોઈએ તેવો વરસ્યો નથી અને ગરમી અને બફારાથી લોકો પરેશાન છે.

રાજ્ય પર સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. અમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડામાં પણ વરસાદની આગાહી છે. તથા માછીમારો ને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યનો સિઝનનો એવરેજ 33.51 ટકા વરસાદ નોંધાયો છે.

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાત પર બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 22મી જુલાઇ સુઘી વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે. જેમાં આજે વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે 18મી તારીખે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં ગાજવીજની સાથે ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ સાથે રાજકોટ, જામનગરમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર તથા ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં લખપતમાં 27 મીમી, તલાલા અને કોટડા સંગાણીમાં 13-13 મીમી, વલસાડ અને નડીયાદમાં 12-12 મીમી, કેશોદમાં 10 મીમી, હળવદમાં 9 મીમી, વાગરા અને માંડલમાં આઠ-આઠ મીમી, માળિયા હાટિના, મેંદરડા, આણંદ અને આમોદમાં છ-છ મીમી, રાજુલા, ઓલપાડ, ઉમરગાંવ અને લખતરમાં ચાર-ચાર મીમી, રાજકોટ, ખેરગામ, ધરમપુર, ડાંગ-આહ્વા અને ધ્રાંગધ્રામાં 3-3 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 11 તાલુકામાં બે મીમી અને સાત તાલુકામાં એક મીમી વરસાદ નોંધાયો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button