આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઃ 45 તાલુકામાં મેઘમહેર…

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે

અમદાવાદ/ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદનો જોર ઘટ્યું હતું. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. ડાંગના સુબીરમાં 1.46 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય 43 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી. સમગ્ર જુલાઈ મહિના માટે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે. બનાસકાંઠાનો ઉત્તર ભાગ અને કચ્છનો ઉત્તર ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદ થાય એવી શક્યતા છે.

આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હોવાથી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.

આપણ વાંચો : ગુજરાતના 47 તાલુકામાં મેઘમહેર: વલસાડમાં 1.85 ઇંચ ખાબક્યો! રાજ્યમાં સરેરાશ 34.36% વરસાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button