અબડાસાઆપણું ગુજરાતનખત્રાણાભુજ

આખરે કચ્છ થયું તળબોળઃ નખત્રાણા અને અબડાસામાં ચાર ઇંચથી વધુ વરસાદ

ભુજઃ મધ્યપ્રદેશ થઈને ગુજરાત પર આવી રહેલી નવી વરસાદી સિસ્ટમના પગલે હાલ રાજ્યના પોરબંદર, જૂનાગઢ અને સરહદી કચ્છમાં હવામાન વિભાગે અતિભારે વરસાદ વરસવાની રેડ એલર્ટ આપી છે ત્યારે કચ્છમાં અષાઢ વદ એકમના શુકનવંતા દિવસથી શરૂ થયેલી મેઘસવારીએ નખત્રાણા, અબડાસા, માંડવી સહિતના મથકોમાં ચાર ઇંચથી વધુ પાણી વરસાવી દેતાં સર્વત્ર ખુશાલી જોવા મળી રહી છે.

મધ્યરાત્રીથી મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી હોય તેમ નખત્રાણા પંથકમાં ચાર ઇંચ કેટલો વરસાદ પડી જતા જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીંની બજારોમાં ફરી નદીની માફક ધોધ વહી નીકળતા વેપારીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા જયારે ધસમસતા જળ પ્રવાહના વહેણથી ભુજ-લખપત ધોરીમાર્ગ પરના વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જ્યારે મથલ પાપડી બે કાંઠે વહેતા બન્ને તરફ ભારે ટ્રાફિકજામની સ્થિતિ નિર્માણ પામી છે.

સચરાસર વરસાદના પગલે નખત્રાણા તાલુકાની મોટાભાગની નદીઓમાં પાણી વહી રહ્યા છે ત્યારે તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલી ભુખી નદીમાં પાણીના જોરદાર પ્રવાહથી માર્ગ પરનો ડામર ઉખડી જતાં ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

આ ઉપરાંત બંદરીય માંડવી અને અબડાસા તાલુકામાં પણ અવિરત મેઘકૃપાથી અબડાસાનો સિંચાઈ માટે મહત્વનો એવો કંકાવટી ડેમ ઓવરફ્લો થઇ ગયો છે અને માંડવી શહેરનું ઐતિહાસિક ટોપણસર તળાવ ઓગની જતાં આ પ્રાચીન નગરમાં મેઘલાડુના પ્રસાદ સાથેના મેઘોત્સવને રંગેચંગે ઉજવવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

તળાવને સાંજે ૫ વાગ્યે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે નગર પાલિકાના પ્રમુખના હસ્તે વધાવવામાં આવશે. આ પ્રસંગે શહેરની જૂની નગર પાલિકા, શાક માર્કેટ પાસેથી ઢોલ સરનાઈ સાથે શોભાયાત્રા નીકળશે તેમ માંડવીના અગ્રણી વાડીલાલ દોશીએ જણાવ્યું હતું.

દરમ્યાન, સચરાચર વરસાદથી વંચિત રહી ગયેલા કિલ્લેબંધ શહેર ભુજમાં સમયાંતરે ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. આગાહી અને ગોરંભાયેલા આકાશને જોતાં ભારે વરસાદ થવાની આશા લોકોમાં પ્રબળ બની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button