Valsad rain: ભારે વરસાદની સ્થિતિ જોતા NDRFને સ્ટેન્ડ બાય રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તીથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો હજુ વધારે તોફાની બનવાનો છે. તેના કારણે હાલ વલસાડમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
વલસાડની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસે તો પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. એક ટીમ કચ્છના ભૂજમાં જ્યારે અન્ય એક ટીમ રાજકોટમાં તહેનાત કરાઈ છે.
તો ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે.
| Also Read: Ahmadabad શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
જ્યારે રાજ્યના અન્ય જિલ્લા ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોમાસું દક્ષિણ ગુજરાત બાદ હવે અન્ય જિલ્લા તરફ પણ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ જોવા મળ્યો છે. જોકે મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદી મહેર થઈ નથી.