રહી રહીને અમદાવાદ પર મેઘો થયો મહેરબાન, ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી
અમદાવાદઃ મે મહિનાથી સખત ગરમી અને બફારો સહ કરતા અમદાવાદના રહેવાસીઓ પર સાતમ-આઠમના દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ત્રણેક દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે ગઈકાલ મોડી રાતથી અમદાવાદ શહેર અને જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાંચેક ઈંચ વરસાદ એક રાતમાં નોંધાયો છે. શહેરના વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે. બીજી તરફ સતત પડતા વરસાદની અમદાવાદમાં AMC (અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન) તંત્રની પોલ ખુલી છે. જેમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસયો હતો જ્યારે અમદાવાદ જિલ્લામા સરેરાશ ચાર ઈંચ જ્ટલો છે.
અમદાવાદમાં બેરેજના પાંચ દરવાજા ખોલાયા
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવતા વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે. તેમાં એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે એક દરવાજો 2.5 ફૂટ ખોલવામાં આવ્યો છે તથા અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં આખી રાત વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. શહેરના મોટા ભાગના પૉશ કહેવાતા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તથા પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે.પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. ગુજરાત સહીત રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે.
શહેરમાં કુલ 28 જેટલા ઝાડ પડ્યા
શહેરમાં મોડીરાતથી જ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે કુલ 28 જેટલા ઝાડ પડવાના કોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા હતા. સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં 13 જેટલા ઝાડ પડ્યા હતા. કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારાતાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી રોડ પરના ઝાડને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
Also Read –