Gujarat: રાજ્યનાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી; પછી પડશે હાડ થિજવતી ઠંડી
અમદાવાદઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોમસી વરસાદના ઝાપટા પણ પડ્યા હતા. ત્યારે હજુ પણ 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યા છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી
હાલ ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ છે, હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, આ સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગની અગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમા માવઠાંની શક્યતા છે, જ્યારે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમા માવઠાંની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે.
કયા જિલ્લા માટે આગાહી?
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં 31St December એ નશો કરીને નીકળ્યાં તો ખેર નથી, આવો છે એક્શન પ્લાન
બે દિવસ બાદ હાડ થિજવશે ઠંડી
હાલ રાજ્યનાં અનેક સ્થળોએ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોમવારથી નલીયા, ડિસા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અને જુનાગઢ વિસ્તારમાં ઠંડીની તિવ્રતા વધુ અનુભવાશે અને ઉપરોકત સ્થળોએ સિંગલ ડિઝીટ તાપમાન થઈ જવાની શકયતા છે દરમિયાન ગતરોજ રાજકોટ શહેરમાં 14 ડિગ્રી સાથે સામાન્ય ઠંડી રહી હતી. જયારે નલિયામાં લધુત્તમ તાપામાન 11 ડિગ્રી, ભુજમા 12 ડિગ્રી, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં લધુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 20 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. બે દિવસ બાદ ફરી રાજયમાં આકરી ઠંડીનો દૌર શરૂ થશે.