Gujarat માં આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)હજુ વરસાદે વિરામ નથી લીધો. જેમાં આજે હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, ગાંધીનગર માં સામાન્ય વરસાદ રહી શકે છે.
24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉમરપાડામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં મંગળવારે સવારે 6 થી 8 ના બે કલાકમાં જ માત્ર 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે ત્યાર બાદ ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજા 25 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.