Gujarat માં આજે પણ હીટવેવની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ(IMD) આજે પણ રાજયના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ(Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, દિવ, કચ્છમાં હીટવેવની ચેતવણી આપી છે. આ ઉપરાંત આણંદ, સાબરકાંઠા, બાનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હીટવેવ યથાવત રહેશે.
સૌથી વધારે ગરમી અમદાવાદમાં નોંધાઈ
ગુજરાતમાં વધી રહેલી ગરમીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જેમાં લૂ લાગવાના અને હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. તેમજ છેલ્લા 2 દિવસમાં ઇમરજન્સી સર્વીસ 108ને મળતા કેસોમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં સૌથી વધારે ગરમી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદ 45.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર પણ 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા, વિદ્યાનગર, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર ગરમી નોંધાઈ હતી.
ગુજરાતમાંથી ગરમી સબંધી બીમારીના કુલ 224 કોલ મળ્યા
દરમિયાન 108 ઇમરજન્સી સેવાને સમગ્ર ગુજરાતમાંથી ગરમી સબંધી બીમારીના કુલ 224 કોલ મળ્યા હતા. જેમાં અમદાવાદમાં 13 સહિત સમગ્ર ગુજરાતમાં 22 હીટ સ્ટ્રોકના કેસનો સમાવેશ થાય છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારીના 41 દર્દીઓ હતા. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સાત દર્દીઓ હતા. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ ગરમી સંબંધિત બીમારીઓના છૂટાછવાયા કેસો નોંધાયા હતા.
ગરમીના લીધે 23 લોકોના મૃત્યુ થયા
ગુજરાતમાં અત્યાર સુધી ગરમીના લીધે 23 લોકોના મૃત્યુ થયા છે. જેના પગલે રાજ્યનો હેલ્થ વિભાગ એકશન આવ્યો છે. તેમજ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાઓ દ્વારા હીટ એકશન પ્લાન પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તેમજ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી રહી છે.