ગુજરાતમાં હીટ સ્ટ્રોકના કેસ વધ્યા, લોકો ત્રાહિમામ, છેલ્લા 6 દિવસમાં 432 કેસ નોંધાયા
અમદાવાદ: રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43-45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થયો છે. અસહ્ય ગરમીથી બીમાર પડનારાઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ રાજ્યમાં રોજ 75થીવધુ લોકો ગરમીની વિવિધ બીમારીના શિકાર બની રહ્યા છે. ઈમરજન્સી સર્વિસ 108ના આંકડા પ્રમાણે છેલ્લા 6 દિવસમાં 432 કેસ નોંધાયા છે.
મળતી વિગતો મુજબ અમદાવાદમાં સૌથી વધુ 73,સુરેદ્રનગરમાં 40, નવસારીમાં 34, છોટા ઉદેપુરમાં 27, વલસાડમાં 24, જૂનાગઢમાં 23, વડોદરામાં 19 જેટલા કેસ સામે આવ્યા છે. તેમાં પણ સખત તાવના સૌથી વધુ 375, પેટમાં દુખાવા અને ઝાડા ઉલટીના 41 કેસ નોંધાયા. જ્યારે હીટ સ્ટ્રોકના કુલ ત્રણ કેસ નોંધાયા છે. ક્યારે કેટલા હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા તેની વાત કરીએ તો, 18 મેએ 83 કેસ, 17 મેએ 85 કેસ, 18 મેએ 97 કેસ, 19 મેએ 106 કેસ, 20 મેએ 105 અને 21 મેએ 72 કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે
તબીબોના મતે આ પ્રકારની કાળઝાળ ગરમીમાં બાળકો, વૃદ્ધો,ગર્ભવતી મહિલાઓ, બ્લડપ્રેશર અને હ્રદય સમસ્યા ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ બહાર નીકળતા સમયે પાણીની બોટલ અચૂક સાથે રાખવી જરૂરી છે. અને તીખું તેમજ બહારનું ખાવાનું શક્ય હોય ત્યાંસુધી ટાળવું જોઈએ.ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.