હાર્ટએટેકે ઉડાવ્યા હોશ : ગુજરાતમાં 24 કલાકમાં 7 લોકો હાર્ટએટેકથી મોતને ભેટ્યા
આ હાર્ટ એટેક હજુ કેટલાના જીવ લેશે? આવો સવાલ દરેકના મનમાં હવે થઇ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ જ્યાં રંગેચંગે માતાજીની આરાધના કરતા ગુજરાતીઓએ મનભરીને ગરબાનો આનંદ માણ્યો, ત્યાં જ બીજી તરફ આ લાગણી પર હાર્ટ એટેક નામનું ગ્રહણ પણ લાગ્યું છે. નવરાત્રિમાં અનેક સ્થળોએ ગરબા રમતા રમતા ખેલૈયાઓ મોતને ભેટ્યા હતા, નવરાત્રિના નવ દિવસની અંદર પણ જેટલા કિસ્સા નહી બન્યા હોય તેનાથી વધુ ફક્ત 24 કલાકની અંદર જ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી 7 લોકોના મોત થયા છે જે અત્યંત ચોંકાવનારું અને દુ:ખદ છે.
જે રીતે લગભગ દરરોજ હાર્ટ એટેકના કિસ્સાઓ મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થઇ રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે જાણે હૃદયરોગ કોરોના કાળ પછીની બીજી મહામારી છે. ખાસ કરીને યુવાનોમાં વધુને વધુ હૃદયરોગના હુમલા જોવા મળી રહ્યા છે જેને સામાન્ય બાબત કહી ન શકાય.
ફક્ત રાજકોટમાં જ 12 કલાકની અંદર 4 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. 43 વર્ષના દિપક વેકરિયાને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. 24 વર્ષના રણજીત યાદવ નામનો પરપ્રાંતિય યુવક તેના કામકાજના સ્થળે જ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો. રાજકોટના આશિષ અકબરી વહેલી સવારે અચાનક જ બેભાન થઇ ઢળી પડ્યા અને હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું. ઉપરાંત ગોંડલના એક 69 વર્ષના વૃદ્ધને પણ હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું.
સુરતના માંડવી વિસ્તારમાં રહેતો મુકેશ ગામીત નામનો યુવક ગઈકાલે રાત્ર ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. જેતપુરના ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મનુભાઇ મકવાણા નામનો યુવક પોતાના ઘરે બેઠો હતો, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું. આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસનું સોશિયલ મીડિયા વિભાગ સંભાળતા 36 વર્ષીય વિશાલ સોલંકીનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું છે. આમ ગુજરાતમાં હાર્ટ એટેકને લઇને સ્થિતિ ગંભીર છે અને આ ઘટનાઓની પાછળનું કારણ જાણવા તબીબો પણ મથામણ કરી રહ્યા છે.