સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા.. મુંબઈ સમાચારની અંગત ચિંતા… ખાસ જુઓ
રાજકોટ: નવરાત્રી મહોત્સવ એટલે માતાજીની આરાધના નું પર્વ માતાજીની ભક્તિ કરતાં કરતાં ગરબા રમવા તે આપણી ગુજરાતીઓની સંસ્કૃતિ છે. ગયા વર્ષે પણ લોકો મન મૂકી અને જુમ્યા હતા પરંતુ કોરોના કાળ બાદ છેલ્લા છ આઠ મહિનાથી જીમમાં કસરત કરવાથી, ક્રિકેટ રમતા રમતા, ગરબા રમતા તાજેતરમાં જ જામનગર ખાતે એક ૧૯ વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટીસ દરમ્યાન અપમૃત્યુ થયું હતું.ટુંકમાં વધુ પડતા શ્રમને કારણે યંગ ડેથ નું પ્રમાણ વધ્યું છે.કોઈ ખેલૈયાઓને ડરાવવાની વાત નથી પરંતુ સતર્ક, જાગૃત, રહેવા માટેની મુંબઈ સમાચારની આ એક મુહીમ છે.
સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને સ્પર્ધાત્મક ભાવના વધારે જોવા મળે છે લાખેણા ઇનામો જીતવા માટે બહુ બધા પ્રયત્નો થતા હોય છે.ખેલૈયાઓએ એ પણ સમજવું પડશે કે આ કોઇ જંગ નથી.જીતશો તો ઓલમ્પિકમાં સ્થાન પામશો એવું નથી.આનંદ કરો.સતત ત્રણ કલાક સુધી ખેલૈયાઓ ગરબામાં નાચતા હોય છે.પરંતુ હવે પરિસ્થિતિ બદલાયેલી છે. ગરબા શીખવતા કોરિયોગ્રાફર ના કહેવા મુજબ લોકોને ગરબા રમવાની કેપેસિટી ઘટી છે. આયોજકોએ પણ ગરબાનાં રાઉન્ડ એવી રીતે ગોઠવવા પડશે કે ખેલૈયાઓ શાંતીથી રમી શકે.આવા સંજોગોમાં સ્પર્ધાત્મક ભાવના સાથે શ્વાસ ફુલાઈ જાય ત્યાં સુધી સતત રમવું ઘાતક સાબિત થઈ શકે.તે માટે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિનેશ રાજ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કોરોના પછી લોકોના ફેફસા ઉપર અસર થઈ છે.તેવા સંજોગોમાં કોઈપણ શારીરિક શ્રમ કરતી વખતે જો શ્વાસ ભરાઈ જાય તો તે કાર્ય પડતું મૂકી અને બેસી જવું. અન્યથા તકલીફ વધી શકે છે.ડો.નિલાંગ વસાવડા પણ વઘુ પડતો શ્રમ ન કરવા સલાહ આપે છે.આપણી શારીરિક ક્ષમતા પ્રમાણે શ્રમ કરવો જોઈએ.આ કોઈ ડરાવવાની વાત નથી પરંતુ જાગૃત કરવા માટે ની એક ભાવના છે. આ માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ને તથા ઓલ ઈન્ડિયા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડ્યાને મુંબઈ સમાચારની લાગણી રજૂ કરતા તેઓએ વાતને વધાવી લીધી છે. રામભાઈ મોકરીયાએ આજરોજ મુંબઈ સમાચારની આ વાત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ પણ મૂકી છે. અને સમગ્ર ગુજરાતમાં અમુક નિયમોને આધીન ખેલૈયાઓ આનંદ કરે તેવા પ્રયત્નો કર્યા છે.
મુંબઈ સમાચારની મુહિમમાં પોલીસ કમિશનર ભાર્ગવસાહેબની સકારાત્મક ભૂમિકા જોવા મળી.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ મુંબઈ સમાચારની સતર્કતા મુહીમમાં જોડાઈ અને આજ રોજ ખેલૈયાઓને અને આયોજકોને એક અગત્યનો સંદેશ પાઠવ્યો છે કે ધ્યાન રાખી ઉત્સવ ઉજવવા પ્રયત્ન કરીશું.કલેકટર પ્રભાવ જોષીએ પણ વ્યવસ્થાના ભાગ બનવા તૈયારી દાખવી છે.
આવનારા નવરાત્રી મહોત્સવમાં કોઈ અજુક્તિ ઘટના ન ઘટે તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે પ્રશાસન સાથે પણ વાત કરવાની સરકાર તરફથી તૈયારી દર્શાવી છે. મુંબઈ સમાચારની ઈચ્છા છે કે ગરબાના આયોજકોએ સ્થળ પર તાત્કાલિક સારવાર કેન્દ્ર ઊભું કરવું જોઈએ. જેમાંથી એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ શકે.આયોજન સમિતિ માંથી ત્રણથી ચાર હેલ્થ વોરિયર તૈયાર કરી તેઓને cpr ની ટ્રેનિંગ પણ આપવી જોઈએ.અને તે માટે કલેક્ટર તથા પોલીસ કમિશનર ને મળી અને નિયમમાં ફેરફાર કરાવી તાત્કાલિક તબીબી સારવાર મળી રહે એવી વ્યવસ્થા જે તે આયોજકોએ ફરજીયાત ઉભી કરવાની રહેશે.
નવરાત્રી પર્વ એ માતાજીની આરાધના સાથે સાથે આનંદ કરવા માટેનું પર્વ છે તેમાં વિક્ષેપ ન પડે તે માટે આ માત્ર જાગૃત કરવા માટેનો મુંબઈ સમાચાર ના તંત્રી નિલેશ દવે અને સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ મિલન ત્રિવેદીનો પ્રયત્ન છે.