નવા વેરિઅન્ટ સામે આરોગ્ય વિભાગની તૈયારીઓ: 4 શહેરોમાં રેપિડ ટેસ્ટ, ઓક્સિજન પ્લાન્ટ, આઇસોલેશન વોર્ડ તૈયાર
ગુજરાતમાં ફરી એકવખત કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગે પણ કમર કસી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટની પણ સુવિધા ઉભી કરી ડોક્ટરોને પણ એલર્ટ કરી સ્ટેન્ડબાય કરી દેવાયા છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સુવિધા, 5300 લિટરના સાત ઓક્સિજન કન્સનટ્રેટર, આવશ્યક તમામ દવાઓનો જથ્થો વગેરે તકેદારીના પગલા તરીકે સુવિધાઓ ઉભી કરી દેવાઇ છે. આગામી સમયમાં શહેરમાં જયાં ભીડ વધુ થતી હોય એવા સ્થળોએ પણ મ્યુનિ.તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે 100 અને એડલ્ટ માટે 40 સહિત 140 બેડના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મેડિસીન, પીડિયાટ્રિક અને ટીબી વિભાગના તબીબોની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે.
સુરતમાં રેપિડ રિસ્પોન્સની 9 ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોમાં કોવિડના કેસને લઇને તૈયાર રહેવા જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. અમુક હોસ્પિટલોમાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ પણ યોજાઇ હતી. શરદી-ખાંસીના દર્દીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વોર્ડ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.