“વ્હાલા તારી વાંસળી” એક લાખ અશક્ત-બીમાર ગાયો વાંસળીના સૂરથી બની સ્વસ્થ!
નડિયાદ: સંગીત એવી વસ્તુ છે જે લોકોના હૃદય અને મન પર ઊંડી અસર કરે છે. સંગીતના જાદુથી પશુઓ પણ અળગા નથી રહી શકતા. સંગીત વાદ્યોમાં વાંસળીનું ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ, આ મહત્વ પાછળ ભગવાન કૃષ્ણનું અનુસંધાન જોડાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઓની સાથો સાથ ગાયો પણ મોહિત થતી હતી, આ બધી વાતો ભલે આપણી ધર્મ કથાઓમાં હોય પરંતુ આજના સમયમાં પણ વાંસળીના સૂર રેલાવીને તેનો ઉપયોગ થેરેપી તરીકે પણ કરવામાં આવે છે. નડિયાદમાં આ થેરાપીથી 1 લાખથી વધુ ગાયોને સ્વસ્થ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના નરેશ અને કરણ ઠક્કર વાંસળીના સૂર રેલીને મ્યુઝિક થેરાપી આપીને અનેક ગાયોને સારવાર આપે છે. વાંસળીના સૂરથી અંદાજે 1 લાખથી વધુ બીમાર અને નબળી ગાયોને સારવાર આપીને સ્વસ્થ બનાવવામાં આવી છે.
નરેશભાઈ ઠક્કરનું માનવું છે કે વાંસળીના સૂરથી આપવામાં આવતી મ્યુઝિક થેરાપીના કારણે ગાયોનું સ્વાસ્થ્ય સુધરે છે, અને તેઓ વધુ દૂધ પણ આપે છે. એક પ્રાચીન માન્યતા છે કે ભગવાન કૃષ્ણની વાંસળીના સૂરથી વૃંદાવનમાં ગાયો આકર્ષિત થતી હતી, જેનો અર્થ છે કે તેમના શરીર પર સંગીતની હકારાત્મક અસરો થાય છે. આ વિચારના આધારે જ તેઓ હવે ગાયોના સ્વાસ્થ્યને સુધારવા માટે સંગીત ઉપચારનો ઉપયોગ કરી રહ્યા છે.
Also Read – અમદાવાદના SP રિંગ રોડ બનશે સિંગ્નલ મુક્ત: ઈધણ અને સમયની પણ થશે બચત
તેમના માટે વ્યક્તિગત રીત દરેક જિલ્લામાં કે દરેક ગૌશાળામાં જવું શક્ય નથી આથી આ થેરાપી માટે ખાસ ઓડિયો પણ આ પિતા-પુત્ર તૈયાર કરી રહ્યા છે. આ ઓડિયો આગામી સમયમાં દરેકે દરેક ગૌશાળામાં નિઃશુલ્ક આપવામાં આવશે. અલગ અલગ રાગ અને ટાઈમ ડ્યુરેશનમાં આ હિલીંગ થેરાપી આપવામાં આવે છે અને તેને કારણે અનેક ગાયોને ફાયદો પણ થયો હોવાનું જોવા મળે છે. વૈજ્ઞાનિક ઢબે પણ આ હિલીંગ પદ્ધતિ અસરકારક હોવાનું પુરવાર થયું છે.