એલોપેથી પ્રેક્ટિસ કરતા આર્યુવેદિક ડોકટરના કેસમાં કોર્ટે સરકારને નોટિસ આપી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક આયુર્વેદિક ડૉક્ટર વિરુદ્ધ એલોપેથિક દવાનો ઉપયોગ કરવા બદલ થયેલી અરદી મામલે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી હતી.
પોરબંદરના રહેવાસી ગુલામ નબી બુખારી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં પ્રગ્નેશ કાનાણી નામના આયુર્વેદિક ડોક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જોકે તેમની પાસે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (બીએએમએસ)માં ડિગ્રી છે અને નિયમો અનુસાર તેઓ એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે નહીં, તેમ જણાવવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અરજદારે પોતાના વકીલો દ્વારા રજૂઆત કરી હતી કે તેમણે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનને કાનાણી દ્વારા એલોપેથીની પ્રેક્ટિસ કરવા અને એલોપેથિક દવાઓ લખવા અંગે ફરિયાદ કરી હતી. પ્રાથમિક સારવાર માટે કેટલીક એલોપેથિક દવાઓ લખવાની પરવાનગી છે, પરંતુ કાનાણીએ શેડ્યૂલ-એચ દવાઓ સહિત ભારે દવાઓ લખી હતી, એમ વકીલોએ રજૂઆત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કમિશને ઓક્ટોબર 2025 માં અરજદારની ફરિયાદ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન પાસે મોકલી હતી, જે આવી ફરિયાદો પર કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે. જોકે, બોર્ડે આ સંદર્ભમાં કોઈ કાર્યવાહી કરી ન હતી. આના કારણે અરજદારે હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને સંબંધિત અધિકારીઓને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપવાની માંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અરજદારે એક આયુર્વેદિક વ્યવસાયી સામે કાર્યવાહી કરવાને બદલે જાહેર હિતની અરજી દાખલ કરવી જોઈએ, કારણ કે તે પોતે આનો ભોગ બન્યો નથી અથવા પોતાના માટે રાહત માંગતો નથી.
આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે હાલની રિટ પિટિશન દ્વારા, અરજદાર અધિકારીઓને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી કરવા માટે યોગ્ય નિર્દેશ આપવાની વિનંતી કરે છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, આરોગ્ય કમિશનર, રાષ્ટ્રીય ભારતીય દવા આયોગ, ગુજરાત આયુર્વેદિક અને યુનાની દવા બોર્ડ, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને આયુર્વેદિક ડોક્ટરને નોટિસ ફટકારી હતી.



